Wednesday, September 24, 2014

અપદ્યાપદ્ય દોહરાં

ઉગ્યાનું લઈ લાલ, ને લઈ ઢળતાનું કાળું ઘાટ્ટ
છેલ્લાં પહોરે આંખ, બોળી દીધી આભમાં

રતિ કરે પગ ધૂળમાં, ને છાતી ઝાલે હાથ
બાંહે ખદબદ મેળ, નખ-આંગળ ને સ્કંધનો

વરસાદે ચૂંચાં કરે નળિયા જેવો ઘાટ
તૂટી પડે જ્યાં આંખ, દાઢી ઉંચકે દ્રશ્ય સૌ

રીઢા ગુનાહગારની, મુઠ્ઠી માં સચવાય...
લઈ એવો એક શબ્દ, ચાલી નીકળ્યા અંતમાં

અરસ પરસ વાતો કરે, બળી મરેલી પાંખ
'જો ને કેવી જાત!, મરે મરે પણ ગાય નંઈ'

એક જ ચપટી વાગતી હળવી ક્ષણની ફાંસ
પોક પોક ચિત્કાર, 'ના ના નહીં બોળી દઉં'

ઉગી પડતાં ફૂલની કચરી દઈ નરમાશ
ઉઘડી દીધી બાથ, ધસમસ હોવું વચ્ચેથી

લડ તું પઢનારાં, લઈ સમજણની એક ટાંચ,
સંવેદનનાં કાચ, ઝાકળ જેવું ભાંગતા

કોક જ ખૂણે હું મળું, હું ને મારું સાચ
બેસી જાજો સાથ, હું આશીક તમ પ્રિયતમ

Wednesday, September 17, 2014

તમે મને માત્ર ધિક્કરી શકો.

તમે મને માત્ર ધિક્કારી શકો

દરવાજા પાછળથી હાઉક કરતોક હું તમારા
આખાયે comfort zone માં ફેલાઈ જાઉં
ધુમ્મસની માફક
અંધ કરતો, ગૂંગળાવતો.
ઉકેલી ના શકાય કે કેટલાં પગલાં બાકી છે
પલંગ સુધી પહોંચતા
કેટલાં આંગળાં બાકી છે
કમર નીચે સુધી પહોંચતા...
ને કપાળથી લઈ નીચે સુધી
એક ઘા ને બે ટુકડાં.

પહેલો, ગીધ બની આવી
ચાવી જઉં, છાતી વચ્ચેનો લોચો
ને સડતાં, વાયુ ઉભરાતાં
પેટ ફાટી પડે કે
ફડાક કરતો ઉડી જઉં
ઉંચી ઈમારતને ધાબે, ને ફરી નામશેષ થતો થતો ટકી રહું

બીજો, ઘુવડ બની
એકેક ચીસમાં
કાનની બદબો મારતી ગુહા,
કપોલથી અલગ પડી જાય એવી રીતે
એકદમ
આકાશેથી ઉતરી આવતાં તૂટ્યાં તારા માફક
આવી કપાળે બેસી જઉં
બેય આંખો, નજરને ખોટકાવ્યા વિના, ભરખી જઉં
દૂરથી પડઘો હણહણતો આવે
ને બાજુનાં પીપળે જઈ પત્થર થઈ જઉં

ત્રીજો, ઝરખ થઈ
સાવ છાના પગે
જમણાં હાથ ને ય હરકત થાય નહીં એમ
ડાબો હાથ 'ને બેય પગ ખેંચી કાઢું
ને ક્ષિતિજ ઓળંગી બેઠેલાં ચિત્રકારનાં કેન્વાસ પર ડાઘો પડી જાય
બગલમાંથી પરસેવો ટપકે ને
ઉડતી ધૂળ સાથે
ઉભી પૂંછડીએ ભાગું
ને બખોલમાં આંખો ચમકાવી
લાળ ટપકાવતો ફરી કોઈ ઋષિ જેમ શાશ્વત થઈ પડું

ચોથો, કીડી બનીને કણ કણ બનીને આવી જઉં,
કે હવે તમારું નામોનિશાન ન રહે
કે પછી હવે અગણિત ટુકડાઓમાં વિભાજિત થઈ, બધે જ વહેંચાઈને
તમે કણ કણ બની જાઓ.
ક્ષિતિજ પીળો ગળફો ઑકી કાઢે
ને હું, તમારી સાથે જ તો, દોડી જઈ
બધે જ સંતાઈ જઉં

ધબક્યાં કરીએ
આપણે
વણથંભ

પાંચમે, હવે હું, હું બનીને આવું
સ્થિર બેઠેલાં તમે
મલકાતાં.
હું મારાં ખુન્નસ ભરેલાં હાથ
લાંબા ટૂંકા કરતો
તમારાં ખોળે ચડી જઈ
આત્મહત્યા કરી બેસું
ને લોહી ગળતાં તમે
ઉભાં થઈ
ચાલી પડો
મારાં ખુન્નસ ભર્યાં હાથ
ચહેરો
ધડ
તો ય સતત ફર્યાં કરે તમારી આગળ પાછળ
ગમે તે સ્થળે
ગમે તે સમયે

હવે ઉભરાવા માંડે
તમારું મગજ
ગીધ, ઘુવડ, ઝરખ, કીડીઓ,
આપણે ( તમે અને હું )
વિચારનો દાબ વધતો જાય, ને ફેફસાં કઠણ થતાં જાય
ને દરવાજા પાછળથી હાઉક કરતોક હું તમારા
આખાયે comfort zone માં ફેલાઈ જાઉં

માટે જ
તમે મને માત્ર ધિક્કરી શકો.

Wednesday, September 10, 2014

તમે મને હજીય ના ઓળખ્યો?

ગાત્ર થીજવી નાખતાં ક્ષિતિજનાં પાણીમાંથી
ઉભરતાં સૂર્યની જેમ જ હું
હું જ તો
ઝીણી મારી જીભ હલાવી શકેલો
" જગને જાદવા..."

ને હું જ
ખુલી પડ્યાં વાળને
ખભાને ગૂંગળાવ્યાં કરવાં દઈ
બેવ હાથે પિત્તળનો હુંભ દાબી...
બેવ આંખે રડી પડેલો
"પછે શામળિયોજી બોલિયાં, તને સાંભરે રે.."

મેં જ
ઘુમઘુમ દરિયે
બાજુ બેઠાનો હાથ ઝાલી
મારાંથી મને બહાર કરેલો
"આજ મહારાજ જલ પર ઉદય જોઈને..."

તમે મને ઓળખ્યો?

હું જ
બેઠો મારાં
ઉત્તુંગ શિખરે
ચશ્માં, હાથ, કાગળો ફેંકી દઈ
સાવ સ્થિર બેસી રહી ગાઈ શક્યો
"હું છિન્નભિન્ન છું..."

મેં જ વળી
અપચેલાં ખોરાક ભરેલા
ઓરડામાં
હથેળીઓ ખોલ્યા વગર
મારો ઉદ્દેશ ચીંધેલો
"નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ.."

તમે મને ના ઓળખ્યો?

મેં જ
મેં જ તે વળી
મારા હાથનાં હલેસાં કરી
ફફડી ફફડી
વધી પડેલી દાઢીએ
ઘસડાઈ આવતી એકદમ અલગ જ
રેખા ઉવેખીને
લલકારી લીધું
"મયુર પરથી ઉતર શારદા, સિંહની ઉપર ચઢ"

ને આ હું જ છું
આ હું જ છું
જે સતત ભાગી જતી
અનાગતાને
બંધિયાર કરી
સડાવી, કહોવડાવી નાખવા મથું છું

ને એ હું જ હોઈશ
જે માથે સગડી મૂકી
લોહીનાં ઑઘરાળાં ભર્યાં હાથે
માંસલ નદીઓને
બાષ્પીભૂત કરી નાખશે
કાલે
કાલ પછી
કાળ પછી

તમે મને હજીય ના ઓળખ્યો?
શું તમે મને હજી પણ ના ઓળખ્યો?

Wednesday, September 3, 2014

અહીંથી ચાલી નીકળો હવે

અહીંથી ચાલી નીકળો હવે
પહોંચી જઈએ કાલે જ ફાટી નીકળેલાં ફૂલની પેલી બાજુ
જ્યાં હજીય કોઈ ખંડકાવ્યની આંખ ઉઘડું ઉઘડું થાય છે
અને પ્હો ફાટી નીકળ્યા પછીનું
સાવ છેલ્લું ભૂરું રેશમ તણાઈને
કોષેટામાં ગંઠાઈ જતું હોય
જ્યાં ગર્ભમાં જ મોક્ષ પામી જતા માંસનાં લોચા વિશે
તત્વજ્ઞાનીઓમાં મતભેદ હોય
જ્યાં ગણિતનાં બે-ચાર સૂત્રોમાં
અગણિત તર્કછલો ભરેલાં હોય અને...
'God damn it!' કહી કાઉન્ટર પર ગ્લાસ પછાડી પછાડીને
પડઘા ફેંકી દેવાતા હોય
જ્યાં પગને અંગૂઠે બાંધી રાખેલું શાણપણ
બસસ્ટેન્ડ પર હલ્યાં કરતી ગાંડીનાં
સાથળો વચ્ચે હાશ થતું હોય
જ્યાં ઝાડને પૂરી સત્તા આપી રાખી હોય
કો'કનાં શ્રદ્ધાનાં મડદાં ઉંચકી રાખવાની
જ્યાં કીડીઓની લોકશાહીમાં બોલાયેલો એકેક શબ્દ
ત્રણ-ત્રણસો ગણો ભારે થઈ
પાછો તાળવે ચોંટી જતો હોય અને કવિઓને શિશ્નનાં ઝૂમખાં ઉગી પડે
અને દદડતાં શ્વાસે દોડી આવતી એકેક પૂંછડીને
પંપાળી પંપાળી નરભક્ષી બનાવી, કાન કાપી લઈ, ખસી કરી નાખવામાં આવતી હોય
જ્યાં બસમાં લટકી લટકી
બહારનાં વિશ્વ વિશે કેટલીય અટકળો થાય
અને કપાળ પર ચોંટેલી ટિકિટથી
સભ્ય થઈ જવાય
જ્યાં બોલ્યાં પછી મૂગું ના રહેવાય અને મૂંગાં રહ્યા પછીય
મૂંગાં ના રહી શકાય એવી પૂર્વશરતે
પાસપોર્ટ બનાવી આપવામાં આવે
ચાલો હવે નીકળો અહીંથી ને પહોંચી જાઓ
અતિકલ્પનનાં દેશમાં
જ્યાં વહાણ ખેંચે પાણીને અને
પાણી વહાણને લાંગરી રાખે
અતિવાસ્તવનાં દેશમાં જ્યાં ફૂલ ફાટે ને કૂવામાંથી દેડકો
ઉછળી પડે
સમુદ્રનાં છળાવાવાળા ખાબોચિયામાં.