Saturday, December 28, 2013

અ. ની ઉક્તિ

આજકાલ નવી લતે ચડ્યો છે, તમાકુની, સહેજ ચાવી જાય કે ચક્કર આવવા માંડે છે. બધાને એમ થાય કે નહીં ખબર નથી. પણ એને ગમે છે. ગેરકાનુની નથી ને મોંઘોય નથી. યાદ છે એને, વર્ષોથી છૂટી ગયેલી આદત પછી એનાં નેવું વટાવી ગયેલાં દાદાને શુંય સુઝેલું કે પેટ સાફ કરવા, બારસાખ ઉપરથી સૌથી નાના દીકરાનો મૂકી રાખેલો, તમાકુ સહેજ ચાવેલો, ને ડોક્ટર બોલાવા પડેલા. હસ્યા બધાં. રજાઓ પાંચ દિવસની, મગજ વ્યસ્ત રાખવા કાઢી રાખેલાં કામ પણ ઘણાં, પણ એનાં મૂડ પર છે. બહુ ઓછા મિત્રો જીરવી શકે છે એનાં મૂડ સ્વિંગ્સ.

'ભૈયા એક કલકત્તી સાદું.' કહેતાં ખિસ્સામાં હાથ નાખી ઉભો છે. આજે ઘરમાંથી અમસ્તાં નીકળ્યો, ચાલ્યા કરવું છે. ફસડાઈ ના પડે ત્યાં સુધી. એનું સપનું છે. બિસ્માર હાલતમાં કોક ફૂટપાથ પર પડ્યો રહે. લોકો જોઈને ચાલ્યા જાય. અને ધીમે ધીમે બધા ને આદત પડી જાય એનાં ત્યાં પડ્યા રહેવાની. ને હોવા છતાંય સાવ અદ્રશ્ય થઈ શકે. એક અમથી જમીન, કોક ઝાડ નીચે. કૂતરાંની બાજુમાં. છે. એનું સરનામું.

હજી થોડી સભ્યતા બાકી રહી ગઈ છે. - "બાર રૂપિયા" - હવે થોડું ધીમું વિચારશે . પાન મોં માં હોય ને સતત ધ્યાન રહ્યા કરે કે ક્યારે તમાકુ અસર કરે. ને એમ એનાં વિચારોમાં અવરોધ વધી જાય. - "છૂટ્ટા તો લેતા જાઓ, સાહેબ." - હવે આગળ સીધો રસ્તો, આગળ થી વળી જશે, અને રસ્તાને સમાંતર એક રસ્તો નીકળે છે ત્યાં કોલેજ છે, અને બાજુમાં પાણીપુરી વાળાની લારી છે, વિચારે છે કે ત્યાંથી, નીકળશે, એકદમ અન્યમનસ્ક થઈ, કાનમાં ઈઅરફોન ભરાવેલાં, હાથ ખિસ્સામાં. ખબર નહીં કેમ પણ જગ્યા ચાલવા જેવી લાગે છે એને. એમ થાય છે કે કોઈ પિક્ચર બનાવે તો સ્ક્રીનપ્લે માં જગ્યા બરાબર લાગે. ને ચડ્યાં, ચક્કર, જો બહુ વાર ના લાગે.

- સાલું તીખું લાગે છે પાન તમાકું ને લીધે. થૂંકી નાખું? ના, થોડીવાર રહીને. પછી કૈફ જલ્દી ઉતરી જાય છે તો પછી મજા નથી આવતી. પછી ઉલટી થશે. છો થતી. ના થાય ત્યાં લગી આશા રાખો કે ઓડકારમાં પતી જશે. શું કામ આવ્યો જગ્યાએ? કાલે ફોન કરવાનો રહી ગયેલો ઘરે. ઘર સારું છે. ભાડે આપશે? " સી બ્લોક ક્યાં?" "ખ્યાલ નહીં" , હવે મહિનાનો પગાર ઘરે નહીં મોકલાય. સવાર પડી હશે ને જર્મનીમાં અત્યારે? વેકેશન, ક્રિસમસનો ટાઈમ. સ્કી કરવા જવાનો હતો. આવશે એટલે પ્રોજેક્ટ બરાબર ચાલશે. કામ બહુ છે. પણ ઓફિસમાં, આપણાં સૂર્યકાંત ભાઈ, મારાં પ્રેઝન્ટેશન પર ઓછું ને મારું વૉલપેપર કેમ જુદું છે? એનાં પર વધારે ધ્યાન આપે છે. કોઈ કહે નંઈ કે ૨૦ વર્ષનો અનુભવ લઈને બેઠો છે માણસ. જોઈ લીધી ઈન્ડસ્ટ્રી. હવે જ્યાં સુધી લોન ચાલે છે ત્યાં સુધી આંખ આડા કાન કરો, પછી તું કોણ? બૈરાંને ચા બનાવતા આવડતી નાહોય તો, એટલુંય પ્રોફેશનાલીઝમ નથી એનામાં કે ઘરની વાત ઘરે ને ઓફિસની વાત ઓફિસમાં. એમ સારો માણસ છે પણ એનાં નીચે કામ કરવું ના ફાવે. એનાં નીચે શું? મારો બૉસ નથી, ટીમ લીડર છે. અરે! રહ્યું સત્યસાંઈ નિલયમ. દિવસે શોધતો હતો. અરે! બૈરાઓને ગાડી ચલાવા આપી દે છે, સાચું છે, જો, ક્યાંથે રીવર્સ કાઢે છે, જોયા વગર? પછી ઠોકાય ને, સાલું આવા લોકો માટે ગમે તેટલાં સેફ્ટી ડીવાઈસીસ ડીસાઈન કરી કરી ને અમે મરી જઈએ, પણ આમ મરવાના? સ્ટેટસ વાળાં બધા. ગાડી વગર ચાલે નંઈ! પણ રસ્તો જુદો છે બે! હું થોડો વધારે આગળ આવી ગયો. પણ ચલ આગળ જો પેલાં ગેટ માં જઈએ, પાર્ક જેવું દેખાય છે. ત્યાં બેસું. આજુ બાજુ ખુલ્લાં નાળાં, બિહારી પબ્લિક, ગાયનાં ગમાણ, ટીપીકલ. -

*** ૧૫ મિનિટ પછી ***

. આપણો નાયક, એને . કહીશું આપણે, હમણાં જે ગેટ દેખાયો, પાર્કનો ધારેલો, અંદર જતાં ત્યાં તળાવ નીકળ્યું. પોતે આ વિસ્તારમાં ૭ મહિના થી રહે છે પણ આ તળાવ વિશે છેક આજે ખબર પડી એને. આપણો . હવે શું વિચારે છે?

- ઈટ ઈસ પ્યોર આર્ટ, આર્ટ. સતત વળી જતી પાળી, એકદમ ઉપરથી, ખૂબ ઉંચે થી જોયા વગર, આખા તળાવનો આકાર ખબર ના પડે. તમે ચાલ્યા કરો એની ચારેતરફ, ડાબે જમણે વળ્યા કરો, કોઈ અચાનક સામેથી દોડતું આવે, કોઈ જમણાં થાપાને વેંઢારતું પોતાની સાઠીમાં, શ્વાસ મારાંથીય તાજા ભરીને આવે. અહીંયા ઉભો રહી જઉં, વાંસનાં વળાંકમાં થોડીવાર, ધીમે રહીને એક પછી એક સળી પડવા લાગે માથે અને હું આખે આખો એકરૂપ થઈ જઉં ગર્થ સાથે, પછી હું જોઉં, તળાવ તરફ શું દેખાય મને?

-- કલ્પના કરી લઉં
એકદમ ગોળ પીળાં બલ્બને લીધે પાણીમાં જે હોય ના હોય પણ લીલાશ દેખાય છે મારી ચેતના જાણે ત્યાં એકાદા સાવ ઝીણાં કોઈ ગપ્પીનાં ઉચ્છવાસનાં પરપોટાં પર સ્થિર થવું થવું થાય અને કોઈ પાણી પર સતત ફર્યાં કરતું જંતુ તોડી નાખે તમારી કિલ્લેબંધી ને હવે વાસ્તવિકતાનાં ભાર સમી વાંસની એકેક સળીઓ ચામડી પર ચીરાં કરતી ઉતરી પડે તે હવે પૂછી લઈએ કે એક ઉચ્છવાસની કિંમત કેટલી મારા સ્થિર થવાની કિંમત કેટલી ને સ્થિર કરવા જરૂરી એવાં ચેતનાતત્વની કિંમત કેટલી ને તરત ગોતું મારી ઉતરી આવેલાં બગલાંની ચાંચથી બચવા મારી માછલી ઉછળી પડે ને કિનારે ઉગેલાં માંથા જેવડાં ઘાંસમાં ક્યાંક પડી રહે હું શોધું ના શોધું એને પંપાળી ફૂંક મારી પાણી ભરી આપું પેટમાં કે પછી ખિસ્સામાં મૂકી ચાલતી પકડું અહીં માછલી પકડવી પ્રતિબંધિત છે એવાં પાટિયાં ને અવગણીને ભલે ને છોને કોઈ જોતું વિચારું ને ત્યાં થડકો વાગે છે ગળામાં મૂકેલાં પાનનો ડચૂરો ભરાય ને ઉબકો આવતાં ઓડકાર થઈને પેટની હવા છૂટી જાય ને મને ભણકાર પડી ગયો કે માછલી હવે મરી ગઈ હોવી જોઈએ હવે બગલા પર દયા આવે છે મરી જવુંતું તો છોને બગલાનાં પેટમાં જતી હવે કીડીઓ ખાશે કીડીઓનું બહુ રાજ ચાલે છે યાર જ્યાં જુઓ ત્યાં પીછો નથી છોડતી હવે પેલા સાલ્વાડોર ડાલી જેવું કરવાનું છે ન્યુ યોર્કનાં સબવે સ્ટેશનમાંથી જાણે પોતાનાં પાળેલાં કીડીખાઉં ને લટાર મરાવા નીકળ્યો એમ ફરતો નીકળેલો જબરી હો હા થયેલી
-- કલ્પના હમણાં પૂરી

 આ કૂતરાંઓ વાંસ પાછળ શું ય દોડાદોડી કરે છે, આ આવતાં જતાં લોકો મને એમ જોવે છે જાણે હું અહીંયા આવી જ ન શકું જાણે મારે અહીંયા આવવું જોઈતું જ ન હતું. આ પેલા ભઈ દોડે છે કે શું કરે છે એમને જોઈને ઉલટી થાય એવું છે શું જોઈને આવા દેખાવે જ સાવ ભાર જેવાં લોકો આમ હોંશિયારીઓ મારવા આવતા હશે? સારું છે આ તળાવ આવી જગ્યાએ છે એટલે જ તો બહુ ઓછા લોકો આવે છે. સચવાયેલું લાગે છે. પણ ટાઈમપાસ ના થાય. સારું છે થોડું વિચારવા મળશે. પણ હવે વિચારીને શું કરવું છે. બધું સહેજ કીકી ખૂલતાં જ અવાસ્તવિક થઈ પડે છે. શું મતલબ પછી આનો? આ પરિમિતિ બહુ મોટી છે આ તળાવની થાકી જવાય આટલું ચાલતાં. આ જે થોડાં ઘણાં બાંકડા છે બધાં બુઢ્ઢાઓ આસન જમાવીને બેઠા છે. આ જો એક બાંકડો છે મોટો છે પણ આ ડફોળ વચ્ચેવચ પલાંઠી લગાવી બેઠો છે, બીજા ને બેસવું હોય તો? પણ એને શું પડી હશે? રોજ એમ બેસતો હશે, આ જ રીતે, મોબાઈલ હાથમાં રાખીને, પલાંઠી લગાવીને, ઓથોરીટી. એ જો પેલા કાકા ઉભા થયા તો જગ્યા થઈ છે, બેસું. આ અરડૂસી છે બાજુમાં. અહીં જોવા મળે એ સારું છે. આ મંકોડા બધે ઘુસી જાય છે, જબરો કીડો છે આ મંકોડાઓ ને પણ. આ કાકાનાં એક્ષપ્રેશન જબરા છે. આ પાછળ એક કૂતરી પાછળ ત્રણ કૂતરાંઓ પડ્યા છે અને એ બિચારીનો Load ઓછો કરવા બીજી એક કૂતરી પાછળ પાછળ ફર્યા કરે છે આ ત્રણે ની. હાહા, જોર.... આ કાકા નું ધ્યાન એમનાં નિઃસાસાઓમાં લાગતું જ નથી. પાછળ ચાલી રહેલ પોતાની ઈચ્છાઓને સંપૂર્ણ વશ થઈ જવાની, નૈતિક અનૈતિક શું વળી? ક્રિયા ચાલતી હોય ને આગળ અરડૂસી પાસે નીચે મંકોડાઓ સતત કચડાઈ જાય વજન ઓછું કરવા માંગતા કાકાઓ અને કાકીઓનાં પગ નીચે, ને આગળ હાથ ઉંચા ઘાંસમાં ક્યાંક કોક ગપ્પી ચીરી ખવાતી હશે કીડીઓથી. અને એની યે આગળ સતત પાણીની લીલાશ ચીરી નાંખતા જંતુઓ, પાણીમાં હોવા જોઈએ એવાં કેટલાંક જળચરો, બગલાંની સતત મહેનત, નિષ્ફળ પણ ફરિયાદ વગરની, આગળ પેલી તરફની પાળ ને પેલી તરફતો વાંસનો ગર્થ, ગર્થમાં સાવ ભળી ગયેલો હું, હા, આ સ્વેટરથી જ ઓળખાયો. ને ઉપર સહેજ મુક્ત થાઓ, જેમ જેમ ઉંચે ચડતા જાઓ ગરમી વધતી જાય ને અથડાઈ જાઓ, એ પીળા બલ્બને, દાઝી જાઓ, ને પાછાં પડી જાઓ તમારા સ્લીપરમાં આ બાંકડા પર કાનમાં ઈયરફોન, હાથ સ્વેટરનાં ખિસ્સામાં લાંબા વધી ગયેલાં વાળ પાછળ જાણે સંતાઈ જવાની યુક્તિઓ કરતાં, મારામાં. ને ખ્યાલ જ ના આવ્યો કે ક્યારે મારી ગત ફૂદાં જેવી થઈ ગઈ. આ રેડીયોમાં પણ જોને બધાં સ્ટેશન પર છેલ્લે ૧૫ મિનિટથી ખાલી ઍડ જ આવે છે. -

બસ આમ ક્ષણે ક્ષણે થઈ જતી શોધ પોતાનાં ક્યારેક ઝાડ, ક્યારેક સાવ મત્સ્ય તો ક્યારેક ફૂદાં થઈ જવાની, લઈને આ પીળો બલ્બ દ્રશ્યક્ષેત્રની બહાર નીકળી ગયે ઉભો થઈ ગયો છે. કીડીઓ શાંત થઈ ગઈ છે, ગપ્પી હવે અગણિત સ્વરૂપોમાં વિભાજિત થઈ ગઈ હશે. મંકોડાઓનો holocaust આજનાં દિવસ પૂરતો થંભી ગયો છે. બાજુવાળા કાકા તો ચાલ્યા ગયા પણ એમની જગ્યા હજી ભારે છે. પાછળ કૂતરાંઓનું નામોનિશાન નથી. રસ્તો જરાય રસપ્રદ નથી. પાછું યાદ આવશે એને ઓફિસની વાત, ભાગી જવાની વાત, રસ્તા પર પડી રહેવાની વાત. મોંનું થૂંક સૂકાય છે. કાલે સવારે માથું દુઃખશે. અને અ. ગૅટની બહાર પગ મૂકે છે.

Saturday, December 7, 2013

રીયલ સરરીયાલીઝમ

રસ્તાંની એ બાજુ
આમ જ ઉતરડાઈને પડી હોય
એ ઉતરડાવું કેવું હાશકારો દેતું હશે
જાણે કોઈ ઉતરી ગયેલો હાથ
સતત આગળ પાછળ કર્યા કરે કોઈ
દુઃખ્યા કરે
આહ
એમ ઉભેલું નારિયેળનું ઝાડ
શું ય ઈશારા કરતું હોય
ઉભાં પાન
જાણે
પિકાસોનાં ચિત્રનાં માણસનાં
ભવાંઓનું ત્રિઆયામી ચિત્ર
ને હવે
ચાર આયામી
ચતુઃ નહીં ચાર

લીલાશ
ને ઉપર ભૂરાશ
ને છેવટે
સાવ નીચે આવી જતી
રતાશ
લાલાશ
.
.
.
રક્તાશ
.
.
.
હવે ત્યાં માથું બોળીને
આંખો ત્યાં જ ખેરવી નાખો

પગ હજીય અહીં ઉભા છીયે ત્યાં જ
લંબાયેલી કાયા લઈને પાછા આવી જાઓ
હોય કંઈ? તમારાંથી સ્થિતિસ્થાપક થવાય?

તે હવે પોતાને જ બરાબર વીંટો વાળી
એકાદ અંગની ટેકણ કરી
ચાલ્યાં કરો
અંધ
ના
ના
આંખો વગરના...
ફરક છે

અનેત્ર, નિચક્ષ

ઝૂકીને
પાછલો ભાગ (ધગડો)
આમંત્રીને

ને બસ આગળનાં વળાંકે વળો ને

ભગવાન મળે એમ
કોઈ સરરીયલીસ્ટ
લાત મારી દે
ને હાશ...

Thursday, November 28, 2013

બેંગ્લોરમાં સપના નથી આવતા

આ બીમારી તો છે સાયકોલોજીકલ

પીઠ દુઃખે છે ને?
સુવામાં કંઈ આયું છે?
સપનામાં કંઈ વાયુ છે?
હા
હા વાયુ છે
વાયુ એટલે પવન
પ-વન
એટલે પાંચ વન

૧ - વન

ફાટ ફાટ છાતીની ધરતી વચ્ચે ઉગે
 સ્પર્શ લઈ ને તાડ તાડ જઈ ઉગે
લઈ લો
જમણી હથ્થેળી થી પકડો અંગ ડાબું
ડાબી હથ્થેળી થી પકડો અંગ જમણું
ભીંસો
કચકચાવી ભીંસો
મળી હૂંફ
ભેટો
ભેટો
જાતને ભેટો
ચાહો
ખુદ ને
ચાહો

૨ - વન

જો આ દરિયો
રોજ સવારે નદી થઈ ને
હોઠ વચાળે નીકળે
ગંધાય
મોર્નીંગ બ્રેથ કહેવાય
જાગો એટલે ગંધાય
જાગી ગયેલાં ને સ્વાદ ન ગમે એનો
બહુ નાજુક ઓબ્ઝર્વેશન છે
બંને હાથ લઈ ને
હથેળીઓ મૂકી તો જીભે
ખદબદ બધી રેખાઓને
ચાટો
ચાટો
મદ
ચડ્યું કે હોવાનું?

૩ - વન

હવે પડછાયાની વારી
હોં ને
દેખાયો?
ના તો
તો સૂર્ય શોધો ક્યાં છે?
ક્ષિતિજે
તો પાછળ જુઓ
દેખાયો?
પાછળ તો હું છું
હું બળતો છું
જો એક આંગળી ફૂટી
ફોડો ખોપડી ફોડો
કોઈ ભૂવો લઈ જશે તો અવગતે જીવ જશે
આંખે જે દેખાય
આંખે જે બળતું જાય
આંખે જે ભડતું જાય
હવે શાંત?
જીવ ઠર્યો?

૪ - વન

સૂસવાટ
સુગંધાયો?
શરદી જેવો પેઠો
એની માને
કે છીંકા છીંક
ભરી રાખેલો
છેલ્લો સ્વર લંબાતા ખૂટ્યો
વાત
વાત
વાત ની વાત વાય
પછી લો કોને અડકી જાય?
થયું
મળી સ્વતંત્રતા?
છૂટી તારી ગૂંગળામણ?

૫ - વન

ભાઈઓ બહેનો
જીસ ખેલ કા બેસબ્રી સે ઈંતેજાર કિયા જા રહા હૈ
વો હી બે- શબરી
મરા મરા લખી ગઈ
આકાશ પર
એ શબ્દ
સંભળાય છે તને?
લખી આવ્યો તું ય
લે કોણે વાંચ્યું
રાહ જુઓ
જુઓ
જુઓ
હજી થોડી વધારે
હજી વધારે
સ્ટેડી
સ્ટેડી
સ્ટેડી
ને લો
પેલો માંડ એકાદો વાંચક
ખોવાઈ ગયો
ઘોંઘાટમાં
તે હેં
તને ન આવડે?
ઘોંઘાટ કરતાં?

Tuesday, November 26, 2013

ન અડે, જડે, પડે, લડે

લાવને તારો હાથ
હથેળી કચકચાવી ખાટકી લઊં
લડ
લડે છે
પડ
પડે છે
અડ
અડે છે
કેટલું ખુલ્લું
સાવ જ ખુલ્લુંફાટ
ધડાધડ ધબડાટી દોડવતા ઘોડા
પાનનું લચક લીલચું લઈ
સૂંઘતા નશો કરતા
કોઈ વૈશ્યાનાં ઝાંઝરથી છૂટી
ગાભણી કોઈ સીમનાં
એવાં સ્પોટ ને અડે
જી
અડે, જી સ્પોટ ને અડે
ત્યાં જ જડે છે
લંગડાતી
બંદૂક
લઈ બે પગની વચ્ચે
ઝાટકો લઈ ને
પાંસળીયું ઑપરેટ કરાવી
દાંતનાં સીધાં, તીરછા ઘસી
કાળ કોઈની આંખથી લઈ
હોઠ પર ઘસી
ખડખડાવી હસી પડે છે
ને ફેરથી
અડે
હા
અડે છે
લડ
લડે છે
પડ
પડે છે
ને જડ
જડ

જડ

અરે કહું છું

જડ?

જડ જડ

જડ ને ડોબા

જડ

તું પાછું જડ

લે ફરીથી પાંસળિયુંનો ઘા કર્યો છે
લે ફરીથી ઘાંસળિયુંનો પા ભર્યો છે
લે ફરીથી કાંસળિયુંનો કા કર્યો છે

લે
લે
લે લે લે લે
લે
લે

હવે તો
જડ

જડ

જડ ને પ્લીઝ
જડ

Friday, November 22, 2013

આજે પૂછેલો સવાલ

આ ટાઈટલમાં લખ્યું ને
એમ જ
આજે જ
પૂછ્યો સવાલ
કે
આ જે પ્રશ્નો થાય છે
એ બધા આ ઉંમર નાં હિસાબે હોય તો?

અને સત્ય તો કાંઈક જુદું જ નીકળે તો?

વાર લાગી નંઈ મને!
જરા

થાય

પણ હવે તો આ સત્યને તોડી નાખવું પડે

હવે સૌથી પહેલું તો અરીસો તોડી નાખ્યો
પછી બહાર નીકળતા દરવાજો
પછી દાદર
પછી પગ
અને ફ્લેટની બહાર જતાં જ
દુર્ગંધ ભરેલું શરીર

શું યાર? ફિલોસોફી જ કહ્યાં કરવાની?
કંઈ ઈમેજ બીમેજ તો રાખો

હવે શક્ય હોય તો કપડા વગર ફરી શકો
આગળથી જમણે
એક લાઈબ્રેરી છે
ત્યાં નવું એક કબાટ મળી આવે
ત્યાં તમારે લખવાનાં બાકી પુસ્તકોનો ઢગલો છે

એકેક પાનું ચાટી લાવો
પછી પ્રશ્ન ન થાય
કે સત્ય શું છે?
સત્ય એવું કંઈ હોય?

nothing nothing
nating
nating
nati
nati
neti
neti
neti
નેતિ
નેતિ
નેતિ
નેતિ
નેતિ
તિ
તિ
તિ
તિ
.
.
.
..
.
.
.

Thursday, November 21, 2013

હમણાં લાગ્યું જીવું છું

આવી હાડ હાડ એકલતા
ધારેલી ક્યારેય?

ઘરનાં કાચ જેવાં વાતાવરણને
ગણકર્યા વગર
રખડતી, અકળાવી નાખતી કીડી ને
ડાબા પગનાં અંગૂઠા નીચે મારેલી ક્યારેય?

આવી હાડ હાડ એકલતા
ધારેલી ક્યારેય?

નરભક્ષી

શરૂઆત ચલો કરીએ
સાવ સાદી
ઉગી ગયેલાં ઘાસ જેવી
પછી
પછી નીચેથી શિખર
નીચે પડેલી ફાંટમાંથી દેખાડી દેવાની
તસ્વીર
તસ્વીર અંદર કહોવાઈ ગયેલાં આંતરડાંની

દેખીને શો કેફ ચડે

ખોટું
સાવ ખોટું જોવું લઈને ભેઠો છે
સાવ ખોટી આંખ

ખોટાવું
એવું ક્રિયાપદ હવે તો
એટલે કે ખોટાયા કરવું
લખવું પડે

ગાંડું
એકદમ જ ગાંડું થઈ જાય
આ શિખરની ત્વચાની અંદરની બાજુનું હોવું
ને પછી
ધીરે રહી ને
સત્ય ખબર પડે એ પહેલાં જ
બદલી નાખો

ને ધીમે રહી
જોઈએ તો ફૂંકી ફૂંકી ને
રત્નજડિત તીક્ષ્ણ દાંત
પેસાડી દેવાના.

Saturday, October 19, 2013

પગલું ભર્યાનો વાંક

ડિવાઈડર છે એની નીચે રોડ છે અને રોડ પર ચાલી રહેલી એકાદ ગાય અને એની બાજુમાં દારૂ પીને પડી રહેલો માણસ અને માણસની બગલ નીચે થી ફૂટી જતું ઘાસ અને ઘાસ ટોચે ઉભી રહેલી કીડીને આજે પ્રશ્ન થયો છે કે આ ગંધ કોની આવે છે અને આ બણબણતી માખોનાં પગ નીચે ચોંટી આવતાં કેટલાંક શિયાળાનાં સ્મરણો ના ના એ વરસાદનાં હોઈ શકે અને હોઈ શકે બરફ પડ્યાનાં તે હિમનદીને ઓળંગી જતાં પવનની સાપેક્ષે ઉડવું તો આ માખીને કેમ કરી ને ફાવે એટલે બેસી જાય વારે વારે હાથ ઉપર જે હાથ વારે વારે મોઢા પરથી માંખ ઉડાડે છે એ મોઢાની કલ્પના કેવી ગમે એવી છે કે કોઈ મોઢું હોય તમારી ગમ્મત પ્રમાણે જુવાન કે ઘરડું પણ ગમે તે રાખો એક-બે કરચલીઓ રાખવી પડે તો જ માખી આકર્ષાય ને તો જ હાથ ઉંચો થઈ શકે માખી ઉડાડવા માટે અને બરાબર એની બેઠકની નીચે થી પેલી કીડીઓની હાર નીકળી જાય ને કોઈ ગાય એની ચારેબાજું ફર્યા કરે પૂંછડી હલાવ્યાં કરે એનાં એક એક શિંગડાનું ભૂંગળું કરી વગાડી નાખો ને જુઓ કે આપણો દેશ કેવો જાગી જાય છે જાગી જાય તે આપણો પોતાનો દેશ અને જે ઉંઘી રહે તે આપણાં બાપાનો અને બેય બગલમાં ગુમડાં લઈ ફર્યાં કરતાં તમે કેવીક દુનિયામાં જઈ ને હાથ ઉંચા કરી શકશો કે લોકો ચીડનાં માર્યા મોઢું ના ફેરવી લે અને એમ કરતાં કરતાં ઘાસની ટોચે ઉભેલી કીડીનો પ્રશ્ન લઈ માખી નાં ખભે ઉડ્યાં તો ખરાં આ માણસનાં મોંની બદબો થી ગાય ને ભગાડી ભગાડી એની ચામડીની કંપારીમાંથી વેગ ભરીને નાસ્યાં આ રસ્તા ઉપર કે સીધો ડિવાઈડરની કિનારી અડાતાં જ ટ્રાફિક રોકાઈ જાય ને રસ્તો સાવ ચોખ્ખો છે જઈ શકાય છે પણ પાછળથી શર્ટ ખેંચી ખાવા માટે પૈસા માંગતા બાળકનાં વિકાસેલાં મોઢામાં એવાં ખોવાઈ જવાય કે વર્ષો વીતી જાય ત્યાં એ જ ડિવાઈડર પર ઉભાં ઉભાં ને સાબિતી આપતો કીડીઓનો રાફડો જામી ગયો હોય ચારે બાજું ને જુઓ કે આખી વાત હવે રીપીટ થવામાં છે જરાં જુદી રીતે અને જુદાં સંદર્ભમાં પણ આપણું કામનો લખી લખીને છાપ્યાં કરવાનું ને કોઈ છોકરાં ને દિવસનાં ૧૦૦ રુપિયા આપીને ધંધે લગાડી દેવાનો કે આવાં ઉભેલાં દરેક થાંભલાં ઉપર તમારી ઍડ લગાવી આવે બે-ચાર માણસોને ય આપે ને બે-ચાર ડૂચા વાળીને ગંધાતા નાળામાં પણ ફેંકી દે ને રસ્તે રખડતો બીજો કોક આદમી એ વાંચી ને ઍડ્રેસ શોધતો શોધતો આવી ચડે તમારી દુકાનની બરાબર સામેની ફૂટપાથ પર ને તમે ફોકસ લગાવી બેસી જાઓ એકદમ.....

એ... હવે વધશે આગળ
                                એ ભર્યું ડગલું
                                                    રસ્તો ક્રોસ કરવા
                                                                         ગાય ને પસાર કરતો
                                                                                                       ડિવાઈડર પર
                                                                                                                         પગ મૂકવામાં જ છે
...
..
.
અને
.
..
...


પીવા જેવી વાત

માથે પડી
થોડુંક વાળમાં ભરાઈ રહીને
આખોય વરસાદ
નીતરી આવે
હાથ પર થઈને
ગ્લાસમાં

હજી મોઢે અડાકે ત્યાં જ
પહેલા માળે ઉભેલ કો'ક
મિત્ર
પથરો નાખી દે

Heads કે Tails?

ગ્લાસ તૂટશે કે પીનારો?

પણ છેલ્લે એટલું તો મેં જોયું જ

કે ગ્લાસને ઉખડી ગયેલાં
રસ્તા ઉપર ફેંકી દઈને
એકીટશે તાકી રહી ને
પાછો કામે લાગી ગયેલો

જાણે કંઈ થયું જ ના હોય એમ

Wednesday, September 11, 2013

मा निषाद प्रतिष्ठांत्वमगमः शास्वती समा

मा निषाद प्रतिष्ठांत्वमगमः शास्वती समा

શાંત ભભૂકી જતી દ્રષ્ટિ, મન વિચારે કટાયેલું
રુક્ષ ખરતાં જતાં શ્વાસો, નામ થી સૌ ઉગારેલા. જાણે ઉંડા તળાવોમાં, ગહન ભીંસાઈ રૂંધાતો, હરફ પરપોટા પીધેલો. ના કદી આવી પહોંચાશે, સાવ ઝીણું ઉઘાડીને, સાવ તીણું ઉપાડીને, કંઈક જૂનું ઉખાડીને, ફરફરીને જે થાકેલાં, ઉંઘમાં સતત વીંટળાતા, કંઈક વર્ષોથી ઉભેલાં, નધારા સ્તંભ વિહોણા, આપ-વિરાન વેરાને. ગાયા કર તું કવિતડા.

હા, શક્ય છે જ. અજાણતા જ, આમ જ, કોઈ બબડી જાય, સરરિયલ સરરિયલ રમતાં રમતાં. પણ પેલો જેને નિષાદ નામ પાડી આપ્યું એ જ તો વ્યાસ હતો. હા, તે વળી. જાડા ધડસા જેવા વેદનાં થોથાં માંડ તો ઉકલ્યાં ને, બહાર નીકળી પડેલો તીર-કામઠું (Hint Hint: Pen-paper, ગુજરાતીમાં કાગળ કલમ,, ;) ) હા તે છેક પ્‍હો ફાટ્યાથી નીકળેલો, તે બગલાં, પોપટ, મેના, સુરખાબ, એ ય જાત જાતનાં પક્ષીઓ મળ્યાં, પણ માંડ હવે છેક આ જોડું દીઠેલું ક્રૌંચ પક્ષીનું. ને એમાંય વાટ ઘણી જોઈ કે એ બંને જણાં કાંઈક વ્યક્તિગત થાય, વાતાવરણ જરા રુમાની થાય, અને સહેજ પીંછાં ઉંચા કરે. ને તરત જ ઉતારી પાડે. ને યુગો યુગો સુધી આપણે વખાણ કરતાં રહીયે. અરે સમય આમ જ તો ઢીલો પડે, ને આમ જ તો પકડી શકાય, આમ જ તો વીંધી શકાય. પણ નખ્ખોદ જાય આ હીપોક્રીટ વાલ્મિકીનું કે હોંશિયારી મારી દીધી, અનુષ્ટૂપમાં મારી એટલે વિવેચકો ખુશ, અને પાછો, વોય વોય, લૂંટારો, અભણ, તો તો એડેડ વેલ્યૂ મળી ગઈ, સમાજ સેવકો ને. એટલે આ કાયમનો શ્રાપ બેસી ગયો, આ નિષાદ નામ પાડ્યું એનાં ઉપર. કે કોઈ દી' એનો શબ્દ ના પહોંચે. અને પહોંચે તો ય, દશરથ જેવા શબ્દવેધીઓ જૂઠ્ઠા જ પડે કાયમ. ને પછી એનો ય દીકરો જાય ને એ બધી ખોટી રામાયણો ઉભી થાય.

જોયું, આ પરાપૂર્વથી જ ચાલ્યું આવે છે, દાઢી, ભગવાની બોલબાલા છે. પણ એ વાલિયાને એક તૂટ્યું પાંદડુંય ક્યાં જોડતાં આવડેલું? તો ક્યાંનો કવિ? એમ જુઓને વાંચક મારા! હવે તો એનાં નામ થયા, સંગ્રહ થયો, પ્રતો પર પ્રતો, ને પેલાં પારધીનો? એક કવિતા કરતાંય શરાપ સંઘરી બેઠો. તે વંચાયો નંઈ ક્યાંય, મારા જેવા કોકે વાંચ્યો તો સમજાયો પણ નહીં ક્યાંય. હવે ન્યાય તો જોવા વાળા ની આંખે. તૂટેલાનું રહેતું તૂટ્યું, ને વીંધેલાનું રહેતું વીંધ્યું.


(એય છીછ છીછ,, આમ અહીં આવો, આ કૌંસમાં, ડાબો કાન જરા આગળ કરો. હા હવે આ બધી બાબતોમાં ડાબું જ કામ લાગે. તમને નથી લાગતું કે આ સૌથી મોટી કૉન્સ્પીરસી છે? આ પરધીએ જ રમી કાઢી. આ વાલિયાને ખબરેય ના પડી કે ક્યારે પેલો પારધી વાલિયાને વાપરી ગયો ને આવી મોટી કવિતા કરી ગયો. બાકી પારધીનું તીર છોડવું અને વાલ્મિકીનું જોઈ જવું, એ કાંઈ કાગનું બેસવું અને ડાળનું પડાવું થોડી છે? There are no Accidents Mr. Reader. યાદ રાખજો. હવે નીકળો આ કૌંસમાંથી.. તમારાં વિચારો ગંધાય છે... જાઓ...)