Saturday, December 28, 2013

અ. ની ઉક્તિ

આજકાલ નવી લતે ચડ્યો છે, તમાકુની, સહેજ ચાવી જાય કે ચક્કર આવવા માંડે છે. બધાને એમ થાય કે નહીં ખબર નથી. પણ એને ગમે છે. ગેરકાનુની નથી ને મોંઘોય નથી. યાદ છે એને, વર્ષોથી છૂટી ગયેલી આદત પછી એનાં નેવું વટાવી ગયેલાં દાદાને શુંય સુઝેલું કે પેટ સાફ કરવા, બારસાખ ઉપરથી સૌથી નાના દીકરાનો મૂકી રાખેલો, તમાકુ સહેજ ચાવેલો, ને ડોક્ટર બોલાવા પડેલા. હસ્યા બધાં. રજાઓ પાંચ દિવસની, મગજ વ્યસ્ત રાખવા કાઢી રાખેલાં કામ પણ ઘણાં, પણ એનાં મૂડ પર છે. બહુ ઓછા મિત્રો જીરવી શકે છે એનાં મૂડ સ્વિંગ્સ.

'ભૈયા એક કલકત્તી સાદું.' કહેતાં ખિસ્સામાં હાથ નાખી ઉભો છે. આજે ઘરમાંથી અમસ્તાં નીકળ્યો, ચાલ્યા કરવું છે. ફસડાઈ ના પડે ત્યાં સુધી. એનું સપનું છે. બિસ્માર હાલતમાં કોક ફૂટપાથ પર પડ્યો રહે. લોકો જોઈને ચાલ્યા જાય. અને ધીમે ધીમે બધા ને આદત પડી જાય એનાં ત્યાં પડ્યા રહેવાની. ને હોવા છતાંય સાવ અદ્રશ્ય થઈ શકે. એક અમથી જમીન, કોક ઝાડ નીચે. કૂતરાંની બાજુમાં. છે. એનું સરનામું.

હજી થોડી સભ્યતા બાકી રહી ગઈ છે. - "બાર રૂપિયા" - હવે થોડું ધીમું વિચારશે . પાન મોં માં હોય ને સતત ધ્યાન રહ્યા કરે કે ક્યારે તમાકુ અસર કરે. ને એમ એનાં વિચારોમાં અવરોધ વધી જાય. - "છૂટ્ટા તો લેતા જાઓ, સાહેબ." - હવે આગળ સીધો રસ્તો, આગળ થી વળી જશે, અને રસ્તાને સમાંતર એક રસ્તો નીકળે છે ત્યાં કોલેજ છે, અને બાજુમાં પાણીપુરી વાળાની લારી છે, વિચારે છે કે ત્યાંથી, નીકળશે, એકદમ અન્યમનસ્ક થઈ, કાનમાં ઈઅરફોન ભરાવેલાં, હાથ ખિસ્સામાં. ખબર નહીં કેમ પણ જગ્યા ચાલવા જેવી લાગે છે એને. એમ થાય છે કે કોઈ પિક્ચર બનાવે તો સ્ક્રીનપ્લે માં જગ્યા બરાબર લાગે. ને ચડ્યાં, ચક્કર, જો બહુ વાર ના લાગે.

- સાલું તીખું લાગે છે પાન તમાકું ને લીધે. થૂંકી નાખું? ના, થોડીવાર રહીને. પછી કૈફ જલ્દી ઉતરી જાય છે તો પછી મજા નથી આવતી. પછી ઉલટી થશે. છો થતી. ના થાય ત્યાં લગી આશા રાખો કે ઓડકારમાં પતી જશે. શું કામ આવ્યો જગ્યાએ? કાલે ફોન કરવાનો રહી ગયેલો ઘરે. ઘર સારું છે. ભાડે આપશે? " સી બ્લોક ક્યાં?" "ખ્યાલ નહીં" , હવે મહિનાનો પગાર ઘરે નહીં મોકલાય. સવાર પડી હશે ને જર્મનીમાં અત્યારે? વેકેશન, ક્રિસમસનો ટાઈમ. સ્કી કરવા જવાનો હતો. આવશે એટલે પ્રોજેક્ટ બરાબર ચાલશે. કામ બહુ છે. પણ ઓફિસમાં, આપણાં સૂર્યકાંત ભાઈ, મારાં પ્રેઝન્ટેશન પર ઓછું ને મારું વૉલપેપર કેમ જુદું છે? એનાં પર વધારે ધ્યાન આપે છે. કોઈ કહે નંઈ કે ૨૦ વર્ષનો અનુભવ લઈને બેઠો છે માણસ. જોઈ લીધી ઈન્ડસ્ટ્રી. હવે જ્યાં સુધી લોન ચાલે છે ત્યાં સુધી આંખ આડા કાન કરો, પછી તું કોણ? બૈરાંને ચા બનાવતા આવડતી નાહોય તો, એટલુંય પ્રોફેશનાલીઝમ નથી એનામાં કે ઘરની વાત ઘરે ને ઓફિસની વાત ઓફિસમાં. એમ સારો માણસ છે પણ એનાં નીચે કામ કરવું ના ફાવે. એનાં નીચે શું? મારો બૉસ નથી, ટીમ લીડર છે. અરે! રહ્યું સત્યસાંઈ નિલયમ. દિવસે શોધતો હતો. અરે! બૈરાઓને ગાડી ચલાવા આપી દે છે, સાચું છે, જો, ક્યાંથે રીવર્સ કાઢે છે, જોયા વગર? પછી ઠોકાય ને, સાલું આવા લોકો માટે ગમે તેટલાં સેફ્ટી ડીવાઈસીસ ડીસાઈન કરી કરી ને અમે મરી જઈએ, પણ આમ મરવાના? સ્ટેટસ વાળાં બધા. ગાડી વગર ચાલે નંઈ! પણ રસ્તો જુદો છે બે! હું થોડો વધારે આગળ આવી ગયો. પણ ચલ આગળ જો પેલાં ગેટ માં જઈએ, પાર્ક જેવું દેખાય છે. ત્યાં બેસું. આજુ બાજુ ખુલ્લાં નાળાં, બિહારી પબ્લિક, ગાયનાં ગમાણ, ટીપીકલ. -

*** ૧૫ મિનિટ પછી ***

. આપણો નાયક, એને . કહીશું આપણે, હમણાં જે ગેટ દેખાયો, પાર્કનો ધારેલો, અંદર જતાં ત્યાં તળાવ નીકળ્યું. પોતે આ વિસ્તારમાં ૭ મહિના થી રહે છે પણ આ તળાવ વિશે છેક આજે ખબર પડી એને. આપણો . હવે શું વિચારે છે?

- ઈટ ઈસ પ્યોર આર્ટ, આર્ટ. સતત વળી જતી પાળી, એકદમ ઉપરથી, ખૂબ ઉંચે થી જોયા વગર, આખા તળાવનો આકાર ખબર ના પડે. તમે ચાલ્યા કરો એની ચારેતરફ, ડાબે જમણે વળ્યા કરો, કોઈ અચાનક સામેથી દોડતું આવે, કોઈ જમણાં થાપાને વેંઢારતું પોતાની સાઠીમાં, શ્વાસ મારાંથીય તાજા ભરીને આવે. અહીંયા ઉભો રહી જઉં, વાંસનાં વળાંકમાં થોડીવાર, ધીમે રહીને એક પછી એક સળી પડવા લાગે માથે અને હું આખે આખો એકરૂપ થઈ જઉં ગર્થ સાથે, પછી હું જોઉં, તળાવ તરફ શું દેખાય મને?

-- કલ્પના કરી લઉં
એકદમ ગોળ પીળાં બલ્બને લીધે પાણીમાં જે હોય ના હોય પણ લીલાશ દેખાય છે મારી ચેતના જાણે ત્યાં એકાદા સાવ ઝીણાં કોઈ ગપ્પીનાં ઉચ્છવાસનાં પરપોટાં પર સ્થિર થવું થવું થાય અને કોઈ પાણી પર સતત ફર્યાં કરતું જંતુ તોડી નાખે તમારી કિલ્લેબંધી ને હવે વાસ્તવિકતાનાં ભાર સમી વાંસની એકેક સળીઓ ચામડી પર ચીરાં કરતી ઉતરી પડે તે હવે પૂછી લઈએ કે એક ઉચ્છવાસની કિંમત કેટલી મારા સ્થિર થવાની કિંમત કેટલી ને સ્થિર કરવા જરૂરી એવાં ચેતનાતત્વની કિંમત કેટલી ને તરત ગોતું મારી ઉતરી આવેલાં બગલાંની ચાંચથી બચવા મારી માછલી ઉછળી પડે ને કિનારે ઉગેલાં માંથા જેવડાં ઘાંસમાં ક્યાંક પડી રહે હું શોધું ના શોધું એને પંપાળી ફૂંક મારી પાણી ભરી આપું પેટમાં કે પછી ખિસ્સામાં મૂકી ચાલતી પકડું અહીં માછલી પકડવી પ્રતિબંધિત છે એવાં પાટિયાં ને અવગણીને ભલે ને છોને કોઈ જોતું વિચારું ને ત્યાં થડકો વાગે છે ગળામાં મૂકેલાં પાનનો ડચૂરો ભરાય ને ઉબકો આવતાં ઓડકાર થઈને પેટની હવા છૂટી જાય ને મને ભણકાર પડી ગયો કે માછલી હવે મરી ગઈ હોવી જોઈએ હવે બગલા પર દયા આવે છે મરી જવુંતું તો છોને બગલાનાં પેટમાં જતી હવે કીડીઓ ખાશે કીડીઓનું બહુ રાજ ચાલે છે યાર જ્યાં જુઓ ત્યાં પીછો નથી છોડતી હવે પેલા સાલ્વાડોર ડાલી જેવું કરવાનું છે ન્યુ યોર્કનાં સબવે સ્ટેશનમાંથી જાણે પોતાનાં પાળેલાં કીડીખાઉં ને લટાર મરાવા નીકળ્યો એમ ફરતો નીકળેલો જબરી હો હા થયેલી
-- કલ્પના હમણાં પૂરી

 આ કૂતરાંઓ વાંસ પાછળ શું ય દોડાદોડી કરે છે, આ આવતાં જતાં લોકો મને એમ જોવે છે જાણે હું અહીંયા આવી જ ન શકું જાણે મારે અહીંયા આવવું જોઈતું જ ન હતું. આ પેલા ભઈ દોડે છે કે શું કરે છે એમને જોઈને ઉલટી થાય એવું છે શું જોઈને આવા દેખાવે જ સાવ ભાર જેવાં લોકો આમ હોંશિયારીઓ મારવા આવતા હશે? સારું છે આ તળાવ આવી જગ્યાએ છે એટલે જ તો બહુ ઓછા લોકો આવે છે. સચવાયેલું લાગે છે. પણ ટાઈમપાસ ના થાય. સારું છે થોડું વિચારવા મળશે. પણ હવે વિચારીને શું કરવું છે. બધું સહેજ કીકી ખૂલતાં જ અવાસ્તવિક થઈ પડે છે. શું મતલબ પછી આનો? આ પરિમિતિ બહુ મોટી છે આ તળાવની થાકી જવાય આટલું ચાલતાં. આ જે થોડાં ઘણાં બાંકડા છે બધાં બુઢ્ઢાઓ આસન જમાવીને બેઠા છે. આ જો એક બાંકડો છે મોટો છે પણ આ ડફોળ વચ્ચેવચ પલાંઠી લગાવી બેઠો છે, બીજા ને બેસવું હોય તો? પણ એને શું પડી હશે? રોજ એમ બેસતો હશે, આ જ રીતે, મોબાઈલ હાથમાં રાખીને, પલાંઠી લગાવીને, ઓથોરીટી. એ જો પેલા કાકા ઉભા થયા તો જગ્યા થઈ છે, બેસું. આ અરડૂસી છે બાજુમાં. અહીં જોવા મળે એ સારું છે. આ મંકોડા બધે ઘુસી જાય છે, જબરો કીડો છે આ મંકોડાઓ ને પણ. આ કાકાનાં એક્ષપ્રેશન જબરા છે. આ પાછળ એક કૂતરી પાછળ ત્રણ કૂતરાંઓ પડ્યા છે અને એ બિચારીનો Load ઓછો કરવા બીજી એક કૂતરી પાછળ પાછળ ફર્યા કરે છે આ ત્રણે ની. હાહા, જોર.... આ કાકા નું ધ્યાન એમનાં નિઃસાસાઓમાં લાગતું જ નથી. પાછળ ચાલી રહેલ પોતાની ઈચ્છાઓને સંપૂર્ણ વશ થઈ જવાની, નૈતિક અનૈતિક શું વળી? ક્રિયા ચાલતી હોય ને આગળ અરડૂસી પાસે નીચે મંકોડાઓ સતત કચડાઈ જાય વજન ઓછું કરવા માંગતા કાકાઓ અને કાકીઓનાં પગ નીચે, ને આગળ હાથ ઉંચા ઘાંસમાં ક્યાંક કોક ગપ્પી ચીરી ખવાતી હશે કીડીઓથી. અને એની યે આગળ સતત પાણીની લીલાશ ચીરી નાંખતા જંતુઓ, પાણીમાં હોવા જોઈએ એવાં કેટલાંક જળચરો, બગલાંની સતત મહેનત, નિષ્ફળ પણ ફરિયાદ વગરની, આગળ પેલી તરફની પાળ ને પેલી તરફતો વાંસનો ગર્થ, ગર્થમાં સાવ ભળી ગયેલો હું, હા, આ સ્વેટરથી જ ઓળખાયો. ને ઉપર સહેજ મુક્ત થાઓ, જેમ જેમ ઉંચે ચડતા જાઓ ગરમી વધતી જાય ને અથડાઈ જાઓ, એ પીળા બલ્બને, દાઝી જાઓ, ને પાછાં પડી જાઓ તમારા સ્લીપરમાં આ બાંકડા પર કાનમાં ઈયરફોન, હાથ સ્વેટરનાં ખિસ્સામાં લાંબા વધી ગયેલાં વાળ પાછળ જાણે સંતાઈ જવાની યુક્તિઓ કરતાં, મારામાં. ને ખ્યાલ જ ના આવ્યો કે ક્યારે મારી ગત ફૂદાં જેવી થઈ ગઈ. આ રેડીયોમાં પણ જોને બધાં સ્ટેશન પર છેલ્લે ૧૫ મિનિટથી ખાલી ઍડ જ આવે છે. -

બસ આમ ક્ષણે ક્ષણે થઈ જતી શોધ પોતાનાં ક્યારેક ઝાડ, ક્યારેક સાવ મત્સ્ય તો ક્યારેક ફૂદાં થઈ જવાની, લઈને આ પીળો બલ્બ દ્રશ્યક્ષેત્રની બહાર નીકળી ગયે ઉભો થઈ ગયો છે. કીડીઓ શાંત થઈ ગઈ છે, ગપ્પી હવે અગણિત સ્વરૂપોમાં વિભાજિત થઈ ગઈ હશે. મંકોડાઓનો holocaust આજનાં દિવસ પૂરતો થંભી ગયો છે. બાજુવાળા કાકા તો ચાલ્યા ગયા પણ એમની જગ્યા હજી ભારે છે. પાછળ કૂતરાંઓનું નામોનિશાન નથી. રસ્તો જરાય રસપ્રદ નથી. પાછું યાદ આવશે એને ઓફિસની વાત, ભાગી જવાની વાત, રસ્તા પર પડી રહેવાની વાત. મોંનું થૂંક સૂકાય છે. કાલે સવારે માથું દુઃખશે. અને અ. ગૅટની બહાર પગ મૂકે છે.

Saturday, December 7, 2013

રીયલ સરરીયાલીઝમ

રસ્તાંની એ બાજુ
આમ જ ઉતરડાઈને પડી હોય
એ ઉતરડાવું કેવું હાશકારો દેતું હશે
જાણે કોઈ ઉતરી ગયેલો હાથ
સતત આગળ પાછળ કર્યા કરે કોઈ
દુઃખ્યા કરે
આહ
એમ ઉભેલું નારિયેળનું ઝાડ
શું ય ઈશારા કરતું હોય
ઉભાં પાન
જાણે
પિકાસોનાં ચિત્રનાં માણસનાં
ભવાંઓનું ત્રિઆયામી ચિત્ર
ને હવે
ચાર આયામી
ચતુઃ નહીં ચાર

લીલાશ
ને ઉપર ભૂરાશ
ને છેવટે
સાવ નીચે આવી જતી
રતાશ
લાલાશ
.
.
.
રક્તાશ
.
.
.
હવે ત્યાં માથું બોળીને
આંખો ત્યાં જ ખેરવી નાખો

પગ હજીય અહીં ઉભા છીયે ત્યાં જ
લંબાયેલી કાયા લઈને પાછા આવી જાઓ
હોય કંઈ? તમારાંથી સ્થિતિસ્થાપક થવાય?

તે હવે પોતાને જ બરાબર વીંટો વાળી
એકાદ અંગની ટેકણ કરી
ચાલ્યાં કરો
અંધ
ના
ના
આંખો વગરના...
ફરક છે

અનેત્ર, નિચક્ષ

ઝૂકીને
પાછલો ભાગ (ધગડો)
આમંત્રીને

ને બસ આગળનાં વળાંકે વળો ને

ભગવાન મળે એમ
કોઈ સરરીયલીસ્ટ
લાત મારી દે
ને હાશ...