Wednesday, September 11, 2013

मा निषाद प्रतिष्ठांत्वमगमः शास्वती समा

मा निषाद प्रतिष्ठांत्वमगमः शास्वती समा

શાંત ભભૂકી જતી દ્રષ્ટિ, મન વિચારે કટાયેલું
રુક્ષ ખરતાં જતાં શ્વાસો, નામ થી સૌ ઉગારેલા. જાણે ઉંડા તળાવોમાં, ગહન ભીંસાઈ રૂંધાતો, હરફ પરપોટા પીધેલો. ના કદી આવી પહોંચાશે, સાવ ઝીણું ઉઘાડીને, સાવ તીણું ઉપાડીને, કંઈક જૂનું ઉખાડીને, ફરફરીને જે થાકેલાં, ઉંઘમાં સતત વીંટળાતા, કંઈક વર્ષોથી ઉભેલાં, નધારા સ્તંભ વિહોણા, આપ-વિરાન વેરાને. ગાયા કર તું કવિતડા.

હા, શક્ય છે જ. અજાણતા જ, આમ જ, કોઈ બબડી જાય, સરરિયલ સરરિયલ રમતાં રમતાં. પણ પેલો જેને નિષાદ નામ પાડી આપ્યું એ જ તો વ્યાસ હતો. હા, તે વળી. જાડા ધડસા જેવા વેદનાં થોથાં માંડ તો ઉકલ્યાં ને, બહાર નીકળી પડેલો તીર-કામઠું (Hint Hint: Pen-paper, ગુજરાતીમાં કાગળ કલમ,, ;) ) હા તે છેક પ્‍હો ફાટ્યાથી નીકળેલો, તે બગલાં, પોપટ, મેના, સુરખાબ, એ ય જાત જાતનાં પક્ષીઓ મળ્યાં, પણ માંડ હવે છેક આ જોડું દીઠેલું ક્રૌંચ પક્ષીનું. ને એમાંય વાટ ઘણી જોઈ કે એ બંને જણાં કાંઈક વ્યક્તિગત થાય, વાતાવરણ જરા રુમાની થાય, અને સહેજ પીંછાં ઉંચા કરે. ને તરત જ ઉતારી પાડે. ને યુગો યુગો સુધી આપણે વખાણ કરતાં રહીયે. અરે સમય આમ જ તો ઢીલો પડે, ને આમ જ તો પકડી શકાય, આમ જ તો વીંધી શકાય. પણ નખ્ખોદ જાય આ હીપોક્રીટ વાલ્મિકીનું કે હોંશિયારી મારી દીધી, અનુષ્ટૂપમાં મારી એટલે વિવેચકો ખુશ, અને પાછો, વોય વોય, લૂંટારો, અભણ, તો તો એડેડ વેલ્યૂ મળી ગઈ, સમાજ સેવકો ને. એટલે આ કાયમનો શ્રાપ બેસી ગયો, આ નિષાદ નામ પાડ્યું એનાં ઉપર. કે કોઈ દી' એનો શબ્દ ના પહોંચે. અને પહોંચે તો ય, દશરથ જેવા શબ્દવેધીઓ જૂઠ્ઠા જ પડે કાયમ. ને પછી એનો ય દીકરો જાય ને એ બધી ખોટી રામાયણો ઉભી થાય.

જોયું, આ પરાપૂર્વથી જ ચાલ્યું આવે છે, દાઢી, ભગવાની બોલબાલા છે. પણ એ વાલિયાને એક તૂટ્યું પાંદડુંય ક્યાં જોડતાં આવડેલું? તો ક્યાંનો કવિ? એમ જુઓને વાંચક મારા! હવે તો એનાં નામ થયા, સંગ્રહ થયો, પ્રતો પર પ્રતો, ને પેલાં પારધીનો? એક કવિતા કરતાંય શરાપ સંઘરી બેઠો. તે વંચાયો નંઈ ક્યાંય, મારા જેવા કોકે વાંચ્યો તો સમજાયો પણ નહીં ક્યાંય. હવે ન્યાય તો જોવા વાળા ની આંખે. તૂટેલાનું રહેતું તૂટ્યું, ને વીંધેલાનું રહેતું વીંધ્યું.


(એય છીછ છીછ,, આમ અહીં આવો, આ કૌંસમાં, ડાબો કાન જરા આગળ કરો. હા હવે આ બધી બાબતોમાં ડાબું જ કામ લાગે. તમને નથી લાગતું કે આ સૌથી મોટી કૉન્સ્પીરસી છે? આ પરધીએ જ રમી કાઢી. આ વાલિયાને ખબરેય ના પડી કે ક્યારે પેલો પારધી વાલિયાને વાપરી ગયો ને આવી મોટી કવિતા કરી ગયો. બાકી પારધીનું તીર છોડવું અને વાલ્મિકીનું જોઈ જવું, એ કાંઈ કાગનું બેસવું અને ડાળનું પડાવું થોડી છે? There are no Accidents Mr. Reader. યાદ રાખજો. હવે નીકળો આ કૌંસમાંથી.. તમારાં વિચારો ગંધાય છે... જાઓ...)

Monday, September 2, 2013

ભ્રમ મૂરતમાં ભાંગે ઘેન

ઢાંકણીમાં પાણી હલાવી લખવા બેઠા એમ પાછાં કેટલુંય કરગરીને એવાં ખૂણે ઉભા રહ્યા હોઈએ, અરીસાનાં કે એક પછી એક ઉખડી પડતાં વિચારમાંથી ઉછળીને બેઠા થઈ જતા એકેએક કલ્પન ને માથાબોળ નવડાવી નવડાવી, ભર બજારે ઉભાં રાખી શકાય તો એમાંથી એકાદને સફેદ રંગનાં ટશિયા ફૂટે તો કોઈને સોનેરી પીઠ તો કોઈને રતુંબડા ઢીંચણ.

તે હેં, તને તરસ્યા થયા ને કેટલા વીત્યાં વરસ?
તે હેં, તને વરસ થયા ને કેટલી ફૂટી તરસ?

નવીનક્કોર કટાવી મારેલી
દીવાની લપકે જ્યોત
જ્યોતનાં પોત મર્યા બેમોત
સોંત આ અબળખાની હોય નામની ઈચ્છા
ઈચ્છા પરપોટા ભેદીને
ગેબી કાન ધરીને ઉભેલાં એદીને
કેવી રમણા ચઢતી
ભ્રમણાં નામે બાઢ બાઢની બઢતી
લડતી પિંજારાનાં હાથે
ખેંચી ફુરુક્ષેત્રની પણછ
પછી તો પીંજ્યા કરતા પીંજ્યા કરતા
એકેએક ઉચ્છવાસ આ મારા પ્રાણ
ઘાણમાં ઉતરે મારાં ગયા જનમનાં ચહેરાં

ચહેરાં જેવું ઉગે આંગણ ચહેરાં જેવું ઉગે
ઘરની ભીંત અઢેલી ઉભાં અંધારાની કૂખે, ચહેરાં જેવું ઉગે

ખરી પડ્યાં બે હોઠ કૂમળાં ઝાકળ દાઝ્યાં બોલ,
આંખો પાછળ કેવાં ભડકાં? ભેદ તું એનાં ખોલ,
નળિયાનાં કચવાટ પવનની ભીંસ લઈને દુઃખે, ચહેરાં જેવું ઉગે

ઉગી ગયેલાં ઘાસ ક્ષણોનાં કાપું હું કઈ રીતે?
દુઃખને ઘરની બહારનો રસ્તો આપું હું કઈ રીતે?

આજની તાજા ખબર, ગંધનાં રેલાં ચારેકોર
નાક વગરનાં અખબારોમાં છાપું હું કઈ રીતે?

ગળું પછાડી મારો આગળ મૃગજળનાં તહેવાર,
ઉડતો એકે સૂર નથી તો વ્યાપું હું કઈ રીતે?

તો વ્યાપું હું કઈ રીતે?, એટલે એમ તો પલંગની માફક ચાર પાયા કરીને પહોળા થઈ જવાય, ને ત્યાં તો ગમે તે આવી શકે, કોઈ ગાંડી ડોશી, 'હાય રે મારી મંગુ' કહીને ઈસ પર માથું કૂટે ત્યારે, ભ્રમ્મ મૂરતમાં 'ધાજો ધાજો' , ધાયને જાદવા તુજ વિના આ ઘેનમાં કોણ ભાંગશે? કહી ને બે હાથ ને ત્રીજું માથું, ચોથા કારતાલ ને પાંચમો તંબુર પાછાં લઈ ને મારો બળી જવાનો બાકી છે એ હાથ લાવીને આપ, આ ચહેરો ઉગી ગયો, ને અંધારામાં ખૂંપી ગયો ને ધડ તો મારું ખોડાયેલું રહી ગયું ત્યાં સહરાનાં મેદાને, હાથ તો બળી જવાનાં, પગ તો એવાં અચૂક નિશાને છે, કે આખાં ગામની વચ્ચે, ગાલ પર સફેદ ટશિયા, પીઠ સોનેરી ને ઢીંચણ રંતુબડા રંગીને ઉભા રહો તોય, જરા આ ચાર આંગળ ઉંચા રહ્યા તે જોઈ ને, કોઈ જીવલેણ હાથ વાળી કન્યા ગળે ફંદો નાખી દે, તો ઢાંકણી રહી જવાની કોરી, બોળાયાં વગરની.

Sunday, September 1, 2013

વડોદરું એટલે?

તૂટી પડ્યા, જવાબ લઈને. 
વાતમાં એટલું જ કે એને આવડે નહીં હાથ હેઠાં મૂકી દેતા. 
તર્યા કરે 
તર્યા જ કરે. 
વડોદરામાં શ્વાસ લીધા કર્યા સવાર સાંજ. 
- એણે અમદાવાદમાં લીધા, 
બેઠા કરી પગ વાળી ને, 
કપાળ-જમીન કર્યા કરી, 
પણ અકળાવાયું નહીં એનાથી. 
- મેં કૂદ્યા જ કર્યું, અહીં થી તહીં તહીં થી અહીં, 
અકળાવી મૂકીશ મને તો 
સહેજ ઉપર ઉંચકાઈ જઈશ 
ને બધુ દેખાઈ જશે. 
Yes sir, that was the plan.

અ,બ,ડ, બબડ્યાં કર્યું ને આખીયે વાત તો ખોવાઈ ગઈ અર્થ-શાસ્ત્રમાં, ના છૂટે નારાયણ ને ના છૂટે એનો ઉકરડો, પાછા આવી ખોદ્યા કરવાનું, ને માટી મરી ગઈ તે રડ્યા કરવાનું. કોઈ વડોદરે કેવડાવો કેવા ભરમ તૂટ્યા ગઈકાલ, કોઈ અમદાવાદે ભેજો કેણ કે રહ્યા સહ્યા જુહાર.


ના આંખો બંધ કરી દેવી જોઈએ તમારે, 
મારે ફોડી નાખવી જોઈએ, 

આંખ એટલે કે ફુગ્ગો રાત પડે ને ઉડ્યાં કરે. મને ખબર જ છે કે એને આ વાંચતા નહીં જ આવડે. પણ આંખ એટલે પરપોટો, પરપોટો એટલે અભેદ કિલ્લો. કિલ્લો એટલે અમદાવાદ, ને અમદાવાદ એટલે વડોદરું ને વડોદરું એટલે?