Monday, September 2, 2013

ભ્રમ મૂરતમાં ભાંગે ઘેન

ઢાંકણીમાં પાણી હલાવી લખવા બેઠા એમ પાછાં કેટલુંય કરગરીને એવાં ખૂણે ઉભા રહ્યા હોઈએ, અરીસાનાં કે એક પછી એક ઉખડી પડતાં વિચારમાંથી ઉછળીને બેઠા થઈ જતા એકેએક કલ્પન ને માથાબોળ નવડાવી નવડાવી, ભર બજારે ઉભાં રાખી શકાય તો એમાંથી એકાદને સફેદ રંગનાં ટશિયા ફૂટે તો કોઈને સોનેરી પીઠ તો કોઈને રતુંબડા ઢીંચણ.

તે હેં, તને તરસ્યા થયા ને કેટલા વીત્યાં વરસ?
તે હેં, તને વરસ થયા ને કેટલી ફૂટી તરસ?

નવીનક્કોર કટાવી મારેલી
દીવાની લપકે જ્યોત
જ્યોતનાં પોત મર્યા બેમોત
સોંત આ અબળખાની હોય નામની ઈચ્છા
ઈચ્છા પરપોટા ભેદીને
ગેબી કાન ધરીને ઉભેલાં એદીને
કેવી રમણા ચઢતી
ભ્રમણાં નામે બાઢ બાઢની બઢતી
લડતી પિંજારાનાં હાથે
ખેંચી ફુરુક્ષેત્રની પણછ
પછી તો પીંજ્યા કરતા પીંજ્યા કરતા
એકેએક ઉચ્છવાસ આ મારા પ્રાણ
ઘાણમાં ઉતરે મારાં ગયા જનમનાં ચહેરાં

ચહેરાં જેવું ઉગે આંગણ ચહેરાં જેવું ઉગે
ઘરની ભીંત અઢેલી ઉભાં અંધારાની કૂખે, ચહેરાં જેવું ઉગે

ખરી પડ્યાં બે હોઠ કૂમળાં ઝાકળ દાઝ્યાં બોલ,
આંખો પાછળ કેવાં ભડકાં? ભેદ તું એનાં ખોલ,
નળિયાનાં કચવાટ પવનની ભીંસ લઈને દુઃખે, ચહેરાં જેવું ઉગે

ઉગી ગયેલાં ઘાસ ક્ષણોનાં કાપું હું કઈ રીતે?
દુઃખને ઘરની બહારનો રસ્તો આપું હું કઈ રીતે?

આજની તાજા ખબર, ગંધનાં રેલાં ચારેકોર
નાક વગરનાં અખબારોમાં છાપું હું કઈ રીતે?

ગળું પછાડી મારો આગળ મૃગજળનાં તહેવાર,
ઉડતો એકે સૂર નથી તો વ્યાપું હું કઈ રીતે?

તો વ્યાપું હું કઈ રીતે?, એટલે એમ તો પલંગની માફક ચાર પાયા કરીને પહોળા થઈ જવાય, ને ત્યાં તો ગમે તે આવી શકે, કોઈ ગાંડી ડોશી, 'હાય રે મારી મંગુ' કહીને ઈસ પર માથું કૂટે ત્યારે, ભ્રમ્મ મૂરતમાં 'ધાજો ધાજો' , ધાયને જાદવા તુજ વિના આ ઘેનમાં કોણ ભાંગશે? કહી ને બે હાથ ને ત્રીજું માથું, ચોથા કારતાલ ને પાંચમો તંબુર પાછાં લઈ ને મારો બળી જવાનો બાકી છે એ હાથ લાવીને આપ, આ ચહેરો ઉગી ગયો, ને અંધારામાં ખૂંપી ગયો ને ધડ તો મારું ખોડાયેલું રહી ગયું ત્યાં સહરાનાં મેદાને, હાથ તો બળી જવાનાં, પગ તો એવાં અચૂક નિશાને છે, કે આખાં ગામની વચ્ચે, ગાલ પર સફેદ ટશિયા, પીઠ સોનેરી ને ઢીંચણ રંતુબડા રંગીને ઉભા રહો તોય, જરા આ ચાર આંગળ ઉંચા રહ્યા તે જોઈ ને, કોઈ જીવલેણ હાથ વાળી કન્યા ગળે ફંદો નાખી દે, તો ઢાંકણી રહી જવાની કોરી, બોળાયાં વગરની.

No comments:

Post a Comment