Tuesday, March 25, 2014

એક સરરિયલ કાવ્ય

ફૂટી ઉગ્યું ઝાડ
ને આપી ગાળ
ને માથે ચણી લીધી એક પાળની ઉપર
ઉગે ડબ ડબ પરપોટાનાં ફાલ
એ જાણે ભાંગે ભેદનાં કિલ્લા
કોઈ મજૂર ઠોકે ખિલ્લાં
કોના પગમાં? કોના પગમાં?
ધબ ધબ વહેતા રગ્ગે રગમાં
પાણી અગત્સ્યનાં મૂતરેલાં
પાણી ઓટમાં જઈ ઉતરેલાં
નાંખો પહેલો પત્થર, ધબાક
છટકે માછલીયાળી આંખો
ઉડે પાંખ વગર રઘવાટો
આવી સન્ન સરકતું વીંધે
અષ્ટ વરણમાં, ચાર ચરણમાં
જૂનાં છંદ ફંદમાં ઉતરે ત્રાંસું થઈને

કાને અથડાયે બોરિંગ બગાસું ખઈને
પડી તિરાડ, કાનની ઉંડી ગુહામાં
તુંય જરા ઢંઢોળ,
ઉતરડી નાંખ
પડ્યાં રસ્તામાં વહેતા
માખીનાં મળદ્રવ્ય ભરેલાં નાળાં
નાળે બૂડ બૂડ ડૂબ્યો જાય
શબદ
હંકારો
હલેસું મારો
ઝડપો
ફાટ કલેજાં તડપો
કાળાં લૂગડે
નાચે વિધવા
રંગ ઉડાડી

જુઓ જાય જાય ઓ જાય
મહિષ

ને ધફાંગ કરતી તૂટી પડે ડોરબેલ
સફાળો જાગે
વળેલો પાટને પાયે અજગર
ફરતો લસ લસ વહેતો ફરી વળે
પૂતળામાં
ઘરનાં ઈશાન ખૂણે પૂજાતા
કાળા દેવ, નરકનાં દેવ

વજાડી તાળી ગાતાં જાય
ને ભેળી ચપટી લેતાં જાય

dead won't be able to hear
you sure, will be able to steer?

ને ભાંગો, કીડી ચઢ્યાંની વેળ
રાફડા, ચડ્યાં લાકડે
ઉભાં, આડાં
મજૂર ઠોકે ખિલ્લાં
મારા પગમાં, મારા પગમાં
મોઢે લઈ બેઠાં કંઈ ફીણ ભર્યાં પરપોટા
ટીંટૉં ટીંટૉં કરતા જાય
ઍમ્બ્યૂલન્સમાં
માથે લાલ રંગ લટકાવી

જુઓ જાય જાય ઓ જાય
મહિષ

ઓ જાય જાય ઓ જાય
મહિષ

ઓ જાય જાય ઓ જાય
મહિષ
..
..
..

ઝાલ્યું ઝપાંગ કરતું શૃંગ
કીકીએ કીકી જઈ અડકાડી
કરી જ્યાં આપ-લે વીત્યાંની

ઉતરે હાથ ગળે
ને ખેંચી લાવે
ઝળહળ જ્યોતિ શ્વેત
લાલ, ભૂરાશ, નહીં લીલાશ

ને ગળતાં ગળફાંની પીળાશ

ને ભાંગ્યા માખીનાં ઢીંચણની
ખદબદ બખબખતી કાળાશ

ને એમાં હાથ ખવાતો જાય
ને એમાં લિંગ ખવાતું જાય
ને એમાં ખુલી ગયેલું જડબું
બેઠું રહેતું કોઈ ગૉખે

ધફ્ફ દઈને ફૂટે કપાલ
વિચારવાયુ મોક્ષે જાય

કજળે બુઝું બુઝું બે શ્વાસ

જરા શું થપકારો
લઈ ખોળામાં બે આંખ કાન એક નાક,
હોઠ બે, જીભ સંગાથે દાંત
પછી જ્યાં જરા જરા શું
જાય ખૂપતું
અદ્ધર માટી થીયે ઉંચે
સડ્યા શ્વાનની પૂંછે

લઈને શહેર ની તીણી ધાર
ખસી કરતાંક જ પીગળી જાય
ને જ્યાં જ્યાં ત્યાં ત્યાં જ્યાં ત્યાં
અણું અણું માં
કંપી અડધું ફફડી

અજગર સૂતો હોયને

ફડાક કરતું ફૂટી નીકળે ઝાડ
તો આપો ગાળ
ચણો એક પાળ
ને ઉતરી આવો તૂટક ગદ્યે

ભેદનાં કિલ્લાં, ખિલ્લાં, પગ, રગ, આંખો, પાંખો,
બૂડ બૂડ બૂડ બૂડ બૂડ બૂડબૂડબૂડબૂડબૂડબૂડડડડડડડડડડડડડડડડ....ડ...ડ..ડ..ડ્...ડ્..ડ્...ડ્