Tuesday, April 8, 2014

વખાર

સડ્યું સાચવે ને જીવતું મારે, એવી તે કેવી વખાર
આ આપની, નાંમદાર
 - સિતાંશુ યશશ્ચંદ્ર
આ વખાર લઈ બેઠો
સવારનાં ૬.૩૩ થયા ને
આ વખાર લઈ બેઠો
હવે આ વખાર તો એ ની એ જ છે પણ જરા જુદી પણ છે
આ સમજાવવું થોડું અઘરું છે.
જુઓને કે વાત એટલી જ કે મારી આંખો હજી ઉઘડી નથી,
બંધ આંખે, જે દીવાલને અડી ને સૂઈ જઉં છું, તેને પસવારતાં જ,
એ દીવાલ રોજ રાતે પડી જાય, ને ઉઘડે વખાર
સવારે રૂમમેટ ઉઠે એ પહેલાં પાછો આવી જાઉં
પણ આજે સવાર સવારમાં જ વખાર લઈ બેઠો,
જુઓને નાંમદાર કે હવે આ વખાર બહુ પડઘાવા લાગી છે.
રોજે રોજે કોઈ મિત્ર મરી જાય
રોજે રોજે કોઈ ચિત્ર ખરી જાય
રોજે રોજે કૂવાનાં દોરડાં બળી જાય
હવે સાહેબ, આ વખારનાં પડછાયામાંયે કોઈ આવતું નથી
તે એક-બે વાર ખુલ્લીય મૂકી જોઈ
બધાય માટે
પણ પત્થર બત્થર તો સમજ્યા,
પણ સળગતાં લાકડાં છૂટ્ટાં આવે
ને સાલું બહુ ડેમેજ થઈ જાય છે.
તે જરી તમેય બેસો ને
આ અહીં જેવી મોકળી જગા નંઈ મળે ક્યાંય,
આપણને એકદમ ખુલીને ચર્ચા કરવા
ને આ જગા જુઓ, એં, પેશ્યલ આપને માટે
લંબાવજો, જરા ખખડશે, પણ ચિંતા નંઈ
હવે કાંતો અંદરથી ધક્કો મારીએ તો
કે બહારથી તાળાકૂંચી ફેરવીએ
પણ આ રૂમમેટ ઉઠે એટલી વાર
(પાછા આવી શકાય)
તે સવારનાં ૭.૪૬ થયા છે
ને વખાર લઈ બેઠો.

Wednesday, April 2, 2014

કપોળકલ્પિત

એ ખુલ્લાં મેદાનની વાડ પાસે જ ઉભો છું
વાડની પેલી તરફ દૂર દૂર ઘર
મોટા કવિનું

કોઈ કપોળકલ્પિત હરણને પકડી લાવી
પછાડી મૂકો
બે વાર
ચાર વાર

જાગી ના જાય...

"આ બિલાડીઓ ગાંડી થઈ ગઈ છે શહેરમાં."

એમ કરતાં પગથિયું ચડો
ને
ભાગી છૂટે હરણ
શક્યતાઓની બહાર

હવે ઉઝરડાયેલી પીઠ લઈ
પાછા આવી ચડીયે
વાડાની બહાર

મસ્તિષ્કનું લાલ
બરાબર સામે જ હોય

ને વાડા માથે ચડી બેસીયે

એકાદ ખભે ચામાચિડીયાનાં
ભારે નમી ગયેલું અવાવરાપણું
રોજ રાત્રે મહેકી ઉઠે

કોઈ કપોળકલ્પિત હરણની
કસ્તુરી માફક