Friday, August 30, 2013

વાર્તાનો વ એટલે કે ચિંતન કેટલા?

પાથરીને ઉભો છે એ ત્યાં, દિવસ રાત, એવી રીતે જાણે સદીઓથી ઉભો છે, પાથરીને એટલે જાણે કે પોતે વિસ્તરી ને, સહેજ ધૂળ ખખડે કે એનું રૂંવાડું ખરડાય, કોના માટે? નામ ના લેવાય, અને નામ જો લઈ લેવાય તો બસ જાણે કે ભેજ સમું, અંદર કદીય ના ઉતરે. --  ના ના કાલે જ ડોક્ટરે કહ્યું હતું કે એમને આ વાત કહેવી જ નહીં, તારે પછી! -- અને આ તો અનંત સુધી વિસ્તરતું જાય, કોઈ સીમા વગર, આ જુઓ નજર જેટલે જાય એ જ દેખાય એને કહી દેવાનું આ તારી લિમિટ. રાહ જોઈ જોઈ ને, પોતે ક્યાંકથી છૂટી જાય છે, એટલે કે No men's land, Limbo. ચાલશે, જોવામાં તો લોકોનાં આખે આખા હાથ બળી જવાનાં દાખલાં છે. -- નર્સ, નર્સ, જી ડોક્ટર, આમનો ચાર્ટ ક્યાં છે?, કોઈ આવ્યું હજી સુધી એમને જોવાં, મળવાં, લેવાં?, ના સર -- અને રાહ જેની જોતાં હોઈએ એ આવી પડે બે બાજું એ થી, એક બાજુંએ થી કોઈ વરૂ જેમ જાણે કોઈ ગુનો નથી, દેખીયે તો દાઝીયે ને, એમ આંખો બંધ કરી ઉખેડે જાય છે, જે પણ રસ્તે આવે તે, જોયાં વગર, પૂતળાં હોય કે, પછી આખે આખાં જ્યોતિ રથો, કે પછી મણિ ભર્યાં રાફડાં કે પછી પોતાનું જ હોવાપણું. અને બીજી બાજુએ થી -- સાહેબ, આ માથું બહુ દુઃખે છે હજીય, ને કશું ખવાતું નથી, કાકા, આ તો ઉંમર થઈ એટલે થોડી તકલીફ તો રહેવાની જ આરામ કરો તમે -- ને બીજી બાજુએ થી હસ્યાં કરતું ઝરખ, જાણે શું ફરક પડશે કે એકાદું હાડ-માંસનું લોથડું મરી પરવાર્યું તો, બધું જ જાણે મજાક, શું કરી લેશે આવોય ત્યાં ઉભો ઉભો? પણ એ ઉભો છે, પણ દોડી શકે છે, અવાજ માફક, ને એણે ફેફસાં ચપટાં થઈ જાય ત્યાં સુધી બૂમ મારી 'ના...' પણ બે ઘડી રોકાયાં ના રોકાયાં કરીને દૂર ક્ષિતિજે તો ઉથલપાથલ ચાલતી રહી -- સિસ્ટર, આ બાજુવાળા ભઈ ભાનમાં આયા લાગે છે -- ધડ એટલે કે છાતીનું પીંજરું જ પકડી રાખીને એ ફરી દોડી ગયો, 'ના....'.

શાંત, શાંત સૂઈ રો, સૂઈ રો, સિસ્ટર જલ્દી ડોક્ટર ને ફોન કરો

ચિંતન ઝબકી ઉઠી ગયો, કોઈ ખૂબ મોટી હોસ્પિટલનાં જનરલ વૉર્ડમાં, માણસ વધુ અને માંદગીઓ એથીય વધુ. ડૉક્ટર આવ્યાં નહીં ને આવશે પણ નહીં, પણ દોઢ દિવસ લગી બેભાન રહી ગયેલાં ને ઉઠી ને જાણે હાશ તો થઈ પણ નિરાશા પણ ભારો ભાર. નક્કી તો એમ જ કરેલું એણે, કે એ છેક સુધી પ્રયત્નો કર્યાં કરશે બધું જ બદલવાનાં, અને બદલી ના શકે તો કાંઈ નહીં પણ આખરે દેખાડી તો શકે, આંગળી તો ચીંધી શકે, પણ આંખ આડાં કાન, કોઈ સાંભળવા જોવા તૈયાર નથી, બસ પછી તો એ જ કોમન સાવ કોમન વાતો, નાની નાની અને એ જ પ્રક્રિયા ચાલું થઈ ગઈ, જેમ કોઈ આઉટકાસ્ટ બની જાય. પહેલાં ટોક્યાં કર્યું ચિંતને, પછી સમજાવ્યાં કર્યું, પછી જાતે સુધાર્યાં કર્યું, પણ બીજી બાજુંથી પ્રતિક્રિયા સાવ એ જ, મજાક, દેખાવ. ના પણ હું તો પ્રયત્ન કર્યાં કરીશ, છેક સુધી, છેક સુધી, પણ પોતે ક્યાંક ખોવાઈ જશે તો? પોતે કોણ છે એ જ ભૂલી જશે તો? પોતે જ આમ કોઈ હોસ્પિટલનાં ખાટલેથી અચાનક ઉઠી પડશે તો? હાથમાં રાખેલાં ઓશીકાં ને આખી રાત દબાવ્યાં કર્યું ને સવાર પડતાં જાણે વર્ષો જૂનો બળવો આજે જાગી પડ્યો હોય, કહી દેશે બધાને, છોડી દેશે બધાને, ભલે ને પછી નામોશી મળે. શું હાઈક્લાસ સ્પીચ તૈયાર કરેલી, તત્વજ્ઞાનનાં તો જે સંદર્ભો ભર્યાં. અંદર ઉંડે ખબર હતી એને, કે કોઈ ફરક નથી પડવાનો આનાથી. કારણકે ફરક પાડવા માટે કંઈક ખોટું કે કંઈક ફરક પાડવાની જરૂરિયાત વાળું કંઈક તો થયું જ હોવું જોઈએ. અને એમનાં મતે તો બધું બરાબર જ છે ને, બધું મજાક જ છે. એટલે થશે એમ કે ફરી પાછું બધું એનું એ જ, પોતે બધાં પ્રયત્નો છોડી દેશે, બદલવાનાં અને બધું જેમ હતું એમ જ ચાલ્યાં કરશે. અને એક સમય એવો આવશે કે એમને તો ફરક પડ્યો નથી અને પડશે નહીં પણ પોતાને ય દુઃખતું બંધ થઈ જશે.

બધું એમનું એમ, દુઃખતું પણ બંધ થઈ જશે, પાછાં જ્યાંનાં ત્યાં, ને દુઃખતું પણ બંધ થઈ જશે. દુઃખતું પણ બંધ થઈ જશે. ને નિરાંત નિરાંત, જ્યાંનાં ત્યાં ને દુઃખતું બંધ, બંધ એટલે એકદમ બંધ દુઃખતું, અને બધું ઠેરનું ઠેર. બનતા લગી આ ચિંતન સાવ નકલી હોવો જોઈએ, જો ને કે પોતે આટલું વિચારીને દુઃખી થઈને પાછો ત્યાં જ આવી પડી રે છે, અને આ લોકા નો, વિચારવું ય નંઈને પીડાવું ય નંઈ.
પોતે બેઠો બેઠો પલંગ પર નવી પોસ્ટ લખતો હતો બ્લોગ માટે, ને બારણું ખોલી ચિંતન આવ્યો

મજા આવે છે તને?

શેની?

માથાકૂટ કરવાની?

કેમ?

આ તારી છેલ્લી પોસ્ટ.

શું વાત કરે છે? એટલે લોકો ને સમજણ પડી?

મગજ મારી ના કર ચિંતન

જો ચિંતન, મગજમારી નથી કરતો, લોકો ને જે કરવાનું છે એ લોકો કરે છે અને મારે જે કરવાનું છે એ હું કરું છું

સાંજે હોસ્ટેલનાં ધાબે સૂર્યને ડૂબાડતાં ઉભા હતા અમે બે, હાથમાં સિગરેટ, રાખવી ગમે છે મને ફીલ આવે જોરદાર, અને પાછળ છેક દૂર કેબિનની દિવાલને અઢેલી બેઠેલા ચિંતનને એલર્જી છે દિવાલને અઢેલી બેસવાની તો ય બેઠો છે.

ઓય, ચિંતન, ધાર પર ઉભો છે

લે કેમ? તું નથી ઉભો?

હું દિવાલને અઢેલી બેઠો છું

સાચું કે છે?

એટલો ગુસ્સો આવે છે ને તારી પર કે હમણાં ધક્કો મારી દઉં, આ જ તારી તકલીફ છે.

હાહ, થોડી તકલીફ તો રેવાની ભૈ સાબ.

હોસ્પિટલનાં પલંગથી ઉભા થતા, ચિંતન ને યાદ કર્યો, ને ધાર પરથી એક પગલું આગળ ધર્યું ને ઉભો થયો ને બહાર જવા નીકળ્યો. ને બાજુમાં કોઈ બેન ને થયું કે લાવ એને યાદ અપાવું કે આ ભઈનું નામ શું છે, ચિંતન જવાબ આપ્યો અને સિરિંજ ખોસેલો હાથ બીજા હાથમાં લઈ નીકળી પડ્યો. બહાર જવાનો રસ્તો શોધતા શોધતા થાકી ગયો જાણે આખો પલંગ ઘસેડીને લઈ આવ્યો હોય એમ, બહાર ફૂટપાથ પર જતાં આવતાં લોકો, વાહનોનાં હોર્ન ને હસાહસ, ચીસ, રુદન, એમ્બ્યુલન્સની રાડો.

એ દિવસે બસમાં ચિંતનની જોડે જ હતો એ, પોતે ઉભેલો ને ચિંતન ને જગ્યા મળેલી તો બેવની બેગ સંભાળતો એ બેઠો હતો. બેઠેલો ઉભેલાને જોઈ સતત હસ્યા કરતો'તો.

હસ નંઈ હરામી

બેસવું છે

ના, નથી બેસવું.... હસ નંઈ તું નંઈતર આપીશ એક.

એવું જ થાય

કેવું થાય?

નથી ગમતું ને તને, ઘેટું થવાનું તો લે આ ઉભો ટોળામાં

બસ લા, અહીં  નહીં, ઘરે જઈને

ના ના બોલ ને ઘરમાં તો ક્યાં તને ઝપ છે

હા નથી ઘરમાં, પણ છે એવા લોકો જ્યાં જવાય ઝપ મેળવવા

ભૂલે છે તું, કાયમ આમ ઝંડા લઈ લઈ ને ફરે છે તો ક્યારેક ચીંથરાં નીકળી જવાનાં છે.

ને બસની જોર બ્રેક સાથે ભીડમાં ઉભેલાનો જવાબ ક્યાંય ખોવાઈ ગયો ને બાજુમાં જોયું તો હવે વળવું પડશે, બાજુમાં એક બઈ બેઠી છે, કાળી સરખી, આ આખીય વાર્તાનું જાણે કથાનક ભરેલું છે એવી આંખો, વાળ મેલાં પણ શું ફરક પડે છે? પહેરે કપડે એવી લાગે જાણે દુનિયા આખીયનો મંતર એની આગળ પાથરેલી શણની ચાદર પર મૂકેલી મગફળીમાં ભરેલો છે. ઘરાક ને બોલાવતી ભાવતાલ કરતી હોય એ તો એમ જાણે બ્રહ્માંડોનાં વિધિનાં લેખ માંડી રહી હોય, 'ના સાહેબ એનાંથી એક રૂપિયો ય ઓછો નહીં થાય' કહીં પંજો બતાડતી પોતાની શીંગો પાછી એમ લેતી હોય જાણે હમણાં બે તારા ખરી પડ્યાં હોય. ચિંતન એની સામે જઈ ઉભડક, હાથ ધરી રહ્યો, સિરિંજ ખોસેલો, મોંઢે માથે કેવાય કાળ વીતી ગયા નો ભાર, ને હાથ કોણી થી સહેજ એવો ઝુકેલો કે હાથેળીમાં પકડી રાખેલી થોડી ઘણી મૂરખની આશાઓએ અનહદ ભાર વધારી દીધો હોય.

બેન, બે-ચાર શીંગ આપશે? ભૂખ લાગી છે

બસ અહીં બેક ક્ષણ માટે સમયને થંભાવી દો, આ હાથ લાંબો કરી રહેલા ને આ ક્ષણ એક સદી જેવી લાગવી જોઈએ, એને દેખાવા જોઈએ એનાં પાથરી રાખેલાં બધાંય લબાચાં સાવ સૂકાઈ તતડી જતાં, ને એને હજીય પોતાનાં સાવ કોરાં પડી ગયેલાં શ્વાસોનાં અવિશ્વાસ સાથે જ્યાં આખો ઉખડી જવા જ જતો હતો, કે વરસાદનાં આનધાર્યાં છાંટા જેવી ચાર શીંગો હાથમાં મૂકી દીધી, ને ભાર નમેલો હાથ એકદમ જ સહેજ ઉંચો થયો. આ બઈ એ, ન પહેલાં કંઈ કીધું કે ન પછી કાંઈ કીધું. ચિંતન વધુ બેસી ન શક્યો ત્યાં ને તરત જ ઓલવાતો દીવો બમણાં જોરથી સળગે એમ, બેવ પાની દાબી ઉભો થઈ પાછો જવા લાગ્યો પોતાનાં પલંગ તરત, ત્યાં સૂવા મળ્યું, વર્ષો પછી, જ્યાં કોઈકે નામ યાદ અપાવ્યું વર્ષો પછી. જ્યાં એ જાગ્યો વર્ષો પછી.

પાછા ફરતી વખતે સામે થી આવતાં-જતાં બધાંની સાવ આંખમાં એટલે કે ખાલી આંખમાં જ જોઈ ને, મનમાં જેને ભગવાન કરી બેઠેલો એને મોં બતાવી હાથેળી આકાશ તરફ ફેરવી, આંગળી અંગૂઠા સહેજ ઢીલાં કરીને જોઈ લીધું પેલી બઈનાં રહસ્ય ને. બહારથી કોઈ ઓળખતું નથી, અને અંદરથી ઓળખવા વાળાં હજી કંઈક રીતે એને બાંધી ને રોકે એ પહેલાં જ સ્વેચ્છાએ ઢળી પડ્યો, ભીષ્મની માફક.


Sunday, August 25, 2013

હું નર્કમાં છું

હું નર્કમાં છું. ચારેબાજું સંગીત, સંગીત યાતનાનાં ગર્ભમાંથી નીકળી જતું, કેટલીયેવાર હું જ મારાં પડખેથી ઉભો થઈ જઉં ને પૂછ્યા કરું "દુઃખે છે માથું?" ને હું માથું હલાવી ના પણ પાડી ન શકું. પકડી રાખું હું જ મને, અને હું જ છૂટવા મથ્યા કરું, જાણે કોઈ વાસુકિ પોતાની જ પકડમાં ભીંસાઈ રહ્યો હોય, રાતોની રાતો, ડહોળાયા કરે મારાં પગ નીચેનું હોવાપણું, અને  નીકળે તો શું, દાંતની તિરાડોમાંથી સરી જતું વહેલી સવારનું થૂંક જાણે માંહ્યલાએ આખીયે રાત ને નકારીને બધી કાળાશ ઓકી કાઢી હોય, હવાંતિયાય ના મારી શકું એમ ગળાડૂબ. બહાર આજુ બાજુ જાણે લોકો ધુમાડા ઓકી કાઢે છે, ફોન પર ધુમાડા, સામે ધુમાડા, ને ભીંચોભીંચ બસમાં ઉભા રહી રોજ સવારની સમલૈંગિકતા પોતાની હવસ સાચવતી ધીમે ધીમે ધુમાડો ઉંચકતી જાય ને રખે ને શરમનાં માર્યા બધાંય પોતાનામાં ઘૂસી જાય, ને કરીયે શું શકાય? હું સવાલ કરી નાખું, પણ મને જવાબ સાંભળવાની ના પાડવામાં આવે છે, મને એ પરવાનગી જ નથી ને. બસ આંખે કાને હાથ રાખી, ચાલ્યાં કરો, ઉઠ્યા કરો, બેસ્યા કરો, ધુમાડા ઓક્યાં કરો. રાત્રે માંડ પોતે પોતાને સુપરત થઉં ત્યાં, કહ્યું ને હું જ મારાથી સાવ ગુસ્સે, ઘર છોડીને ભાગી ગયેલાં ભાઈની જેમ, કે કોઈ વિશ્વાસઘાતીની માફક, મારાં ગળે, છાતીએ, જાંઘ પર, બધે જ કૂદી પડું. ખાનું ખોલીને કાઢીને વાંચી લઉં ચોપડી, બે-ચાર પાના પર હસી લઉં, બે ચાર પાના પર રડી લઉં, બે ચાર પાનાં ડૂચો વાળીને ફેંકી દઉં. થાય ઘણી વાર કે વંચાવું કોઈક ને, પણ લોકો કાચની દિવાલ પહેરીને નજીક આવે છે, આર-પાર જોવા દે, જોયા કરે, વાંચ્યા કરે. પણ કોઈ દિગ્દર્શકની આંખથી કે પછી કોઈ ગાંડાનાં ડૉક્ટરની, અરે ભલાદમી કોઈ મનોવિજ્ઞાની હોત તો ય ચાલત. પણ આમ રસ્તે ચાલતો, "માચીસ છે?" કહીને સાવ બાજુમાં આવે બેસી જાય તો, હું આખે આખો પથરાઈ જાઉં એની સામે.


અહીં માણસનું ભૂત વળગે, પણ કોરાંકટ સૂસવાટા પણ તો ક્યાંય ખાલી ખોખું વગાડી વગાડીને નાસી ગયાં, ઘર-ગામ-ગલી આ બધાંય હવે દોડ્યાં કરે, હું ત્યાં જ ત્યાં જ ત્યાં જ ઉભો જ્યાં હું કોઈ ચબૂતરાં નીચે, રાત્રે, ફફડી રહેલી જ્યોત માફક, કોઈનેય દેખાયાં વગર, ઉભો રહું, બેસ્યાં કરું, આળોટ્યા કરું, ખૂદને અડક્યાં કરું, કારણકે કોઈકે કહ્યું છે કે તું ખુદ જ પોતાનું ઘર થા. પણ ક્યારેક, અડધી રાત્રે આંખ ખુલી જાય અને ખરેખર ધ્યાનથી સાંભળવાનો જીવ થાય, તો જો જો ક્યાંક ટકોરા સંભળાશે, એ હું જ દઈ રહ્યો છું મારાં દરવાજે, મને તમારાં ઘરે નિમંત્રી શકો છો, પણ હું આવીશ મારાં લાંબા કાળાં કોટ સાથે, પણ કોટની નીચે સાવ નિર્વસ્ત્ર, તાજાં જન્મ્યાં બાળકની માફક.

Sunday, August 18, 2013

બાર વરસની બોબડી, ઝાંઝરિયાળાં નેણ; ફૂલ ભરેલી ફેણ, ખરબચડાં પેઢુ પછી.

બાર વરસની બોબડી

They have departed! oh! how sad! જો પણ ધ્યાનથી પેલો સાધુ જોઈ જોઈ ને હસ્યાં કરે છે. ડૉ. ફ્રોઈડની સામે બેસાડીને એને કહો કે સૂઈ જા, તો તરત સૂઈ જાય. પાંપણનાં કાંટા નડે નંઈ જરાય. પણ અહીં જ તો મોટી રમત છે. જો ઉંઘમાં હાથમાંથી ચાવી છૂટી ગઈ તો કડડભૂસ કરતાં આ નાસી ગયેલાં બધાંયે છાપરું તોડીને ઘૂસી આવે, પછી આટલાં મોટા ટોળામાં તમારો ફ્રાઈડ, એટલે કે ફ્રોઈડ ક્યાં શોધવા જાઓ? હા, એ ખરું કે પહેલી સ્ત્રીનાં પહેલાં સ્તન પર બાઝી રહેલી ફેણ વગરની ધામણ પેલું જૂનું જાણીતું હસ્યા કરે. પણ બોબડી બોલે નંઈ, મોઢા ભરાયેલાં હોય, ને સ્ત્રીને બાર બાર વરસે જામી ગયેલાં રાફડાં, ઓ માડી! તને ધાવણ ધર્યાનાં શરાપ.


ઝાંઝરિયાળાં નેણ

નથી, નથી તળિયા પણ તળિયા ઝાટક નિરવ શાંતિ ખરી. ખાસડા ઘસી ઘસી ને રસ્તા સુંવાળા કર્યા? એમ? એય આમ શું વાંચો છો? જુઓ પહેલાં ભાર આપો, ખાસડાં પર, પછી રસ્તા પર અને છેલ્લે સુંવાળા પર. એટલે ૩-૩ વાર તો ખાલી આ પગ, રસ્તાં વચ્ચેનાં અણુએ અણુને મહત્વ મળે. અને ત્યાં જ કોઈ સાવ છૂટી ગયેલી આવૃત્તિનાં છેલ્લાં તરંગ પર ગાંધી નીકળી આવે, તો ભલાદમી તમે ચપટીક સબરસ નાખી આલો ઝોળીમાં એમની. પછી તો, વોય વોય જે સૂસવાટ, વોય વોય જે રઘવાટ. વર્ષો વર્ષો રહે પણ સ્થિર ના થાય. રામ જેવું કોઈનું નામ ના થાય. બસ! (રેફરીની વ્હીસલ સંભળાય), રાઈટ હેન્ડ અપ. અરીસા પકડ, જોર સે નીચે પટક. હવે આ આધુનિકોનાં જમાનામાં તો તળિયે ખૂંચી ગયેલી એકેક કરચ, ને પાની એ ચોંટેલો એકેક હરફ, મારી તમારી મેહબૂબાની ઘૂંટીએ અથડાતાં ઝાંઝર ના કહેવાય તો, થૂ!

ફૂલ ભરેલી ફેણ

અરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી! પલંગમાંથી પડી કેવી વેરાઈ ગઈ બાળકી. હવે ઘરનાં મોભને તિરાડ પડી છે, તે બોલતાં આવડ્યું ત્યારનો ઉભો છે, તે ક્યારેક તો થાકે ને. કાલે એને સદીઓ વીતી ગયેલી થાકી જતાં. આજે એક જ દિવસમાં થાકી ગયો, હું જરી બહાર લટાર મારવા જ ગયેલો. તે હેં વાંચક! તારામાં જરાય છાંટો નથી, ઈન્સાનીયત નો? બે ઘડી પીઠે ફૂંક મારી આપી હોત તો? તમે વાંસળીની અપેક્ષા જ ખોટી કરો છો, દમ તો ફૂંકમાં જ હોવો જોઈએ, બોલે તો, ફેફડે મેં. તે હવે પિચ્ચરમાં ય બતાવે છે કે ધૂમ્રપાન કરને સે કર્ક રોગ હો સકતા હૈ. હાય તે આ સિગારેટની રાખ ખીલેલાં બગીચામાં લટાર મારી આવો, અરે જરા જઈ તો આવો, મરી જવાય તો જ તો પાછાં જીવાય ને. ખબર પડી! રાખ ખીલેલાં એટલે ફૂલ ને આ ફેણ એટલે?, અરે મારાથી કંઈ કહેવાય? આવું અપમાન તમારું કરાય?

 ખરબચડાં પેઢું પછી

મારાથી જેનું સતત ચિંતન થઈ જાય છે તે, પેલો લખી ગયો. તે હરામી! તારું મગજ કોઈએ ઝાલી રાખેલું? માથે બંદૂક ધરેલી? એવું કેમનું ચિંતન થઈ જાય? ના પણ યાર આમ ફેન્ટસી ફેન્ટસી રમી ને થાય શું? રસ, લસલસ કરતો રસ પડવો જોઈએ તો જ, લાળ ટપકતાં રીંછડાં ખેંચાઈ આવે. ને પછી તો અબ્દુલ ઘાંયજો જ આપડો સરદાર, ફટાફટ અસ્ત્રો ફેરવી આવે કે રીંછ ને નડે છોછ. પછી તો એ ય ને લીલાં લેહર. હાથથી ઓપ આપી આપી ને કેવી સુંવાળી કરી હોય, પણ આ નજરમાં પડતો પ્રકાશ જ્યાં અડી આવે છે, ત્યાં ધીરે રહીને ઉતરી પડો, તો ખબર પડે કે ખરબચડું કોને કહેવાય. ઈતિ સિદ્ધમ. પછી તો પલંગનાં પાયા કાપી આવો, ને એમાંથી કલમ બનાવી આપો, કે કેવી સુંદર કવિતા લખાય છે, સર્વાંગ સુંદર. સુંદર એટલે અપરંપાર અસુંદરતાઓનો સંપુટ.

પાછાં વળતાં ઉચરીએ, ગણકાનાં ગુણગાન

જ્યારે આવે ભાન, ભોંય સટોસટ પલંગમાં

Thursday, August 15, 2013

નિયત કવિતા

'સદૈવ મરતા રહો' નાં આશીર્વાદ સાથે જે પ્રાંગણમાં સફેદ ઝાડ ઉગી નીકળે એ ઘર રાજમહેલ થઈ જાય. આવી લોકવાયકા ને સાચી ઠરાવતો રાજમહેલ હજીય એ ઝાડની બળી ગયેલી કૂંપળો સંઘરીને ઉભો છે.
નગરનાં નામે ચાર ખૂણા છે અને પ્રજાનાં નામે માત્ર સૈનિકો છે, સૈનિકો બોબડાછે, સૈનિકો માત્ર ક થી હ સુધી બોલે છે, સૈનિકો હાથમાં હાથ નાખી ને ગીતો ગાય છે.

"ક્યાં છે મારો પ્રધાન?, મને તાત્કાલિક વારસ લાવી આપે", અચાનક થઈ ગયેલા રાજા ને અચાનક ઈચ્છા થઈ જાય છે.

હાથ જરાક છૂટો કરો તો મહેલનાં ગૂંબજ ને અડી શકાય, અડી અડી ને આંગળીઓની છાપથી નગ્ન તૈલચિત્રો બનાવી બનાવી પ્રધાન પાછળ તરફ વળી ગયેલો છે, નામે 'મહાકામી' છે. હુકમ થયાની સાથે જ દરબારમાં પહેલા કમર અને પછી વાંસો ને પછી માથું એમ કરતાં મહાકામી પ્રવેશે છે.

"પ્રયાસરાજ, આંગણે આ વૃક્ષ ખૂબ માયાવી છે, રાત જ્યારે શાંત હોય, સંગીત નાં નામે માત્ર પેટ બોલતું હોય ત્યારે લોહી ભરાઈ આવવાથી વૃક્ષથી જે ડાળખી બટકાઈ પડે, એ ડાળખી જો સુફલા રાણી નાં ઓશીકા નીચે મૂકીએ તો ઉપદેશક જેવો વારસ મળવાની સંભાવના છે."

રાજા ને કંઈજ સંભળાતું નથી એ તો માત્ર વિસ્ફારિત આંખે જોઈ રહ્યો છે. એ પ્રમાદી નથી, અશક્ત પણ નથી, ખૂબ વાસ્તવિક છે. માટે જ તો સિંહાસનની આજુબાજુ પાળી બનાવી રાખી છે. સવારે ક્લ્પવૃક્ષ નીચેથી સફાળો જાગી જાય છે. બાજુમાં એકદમ નાજુક પણ વેધક દ્રષ્ટિ કરતી બાળકી શાંત બેઠી છે. આંખો પાણીદાર, વાળ પગ સુધી લાંબા છે, નામ પૂછ્યું તો કહે કલ્પના.

રાજા દીકરીને લઈ  દોડી જાય છે, અંતઃપુરમાં જઈ રાણી અને પ્રધાન ને જગાડે છે, રાણી સુવાવડ ન સહી શકી અને મૃત્યુ પામે છે. પ્રધાન અચાનક સીધો થઈ જાય છે, મૂછ જરીક કાળી થવા માંડે છે. સૂર્ય ઉગીને પાછો પૂર્વમાંજ આથમી જાય છે. નેપથ્યમાં સૈનિકોનાં મરશિયા સંભળાય છે. સંવાદ જરાય નથી, અકળાઈને રાજા ફરમાન કરે છે.

"કાપી નાખો, જે ગાય છે એ બધાની જીભ કાપી નાખો, જે નથી બોલતા એનીય જીભ કાપી નાખો, લોહીમાં દૂધ પીતી કરો મારી દીકરીને, કાલે જ એનાં લગ્ન લેવાનાં છે."

"હે રિક્તસ્વામી" પ્રધાન બોલ્યો "હું કલ્પના ને ખૂશ રાખવા ખૂબ પ્રયત્નો કરીશ, વળી કાલે રાણીની વરસી પણ છે, શક્ય છે કે કલ્પના જરાક મરતલ થઈ જાય, પણ મારા આ સતત જુવાન થતા બાવડા બધું સાચવી લેશે."

લગ્નનો સમય છે, પુરોહિત લલકારે છે, 'કન્યા પધરાવો સાવધાન', અને રાણીએ ખૂબ ઠાઠ થી સોળે શણગાર સજાવેલી કલ્પના પાનેતરમાં આવે છે, સ્વર્ગીય કલ્પના લાગી રહી છે. આ જોઈ પ્રધાન, જે હવે "કલ્પ સ્વામી" તરીકે ઓળખાય છે, નારાજ થઈ રહ્યો છે, એને ખબર છે હવે એને રાતે આ શણગાર ઉતારવા ખૂબ મહેનત થવાની છે, કલ્પના ને ઢાંકવા ખૂબ મહેનત કરી છે રાણીએ. કલ્પનાનાં વાળ પગ સુધી લાંબા છે. રાત જાણે પહેલી વાર પડી છે, અંતઃપુરમાં કલ્પના અને કલ્પસ્વામી બંધ છે, રૂઢિવશ નિર્વસ્ત્ર થઈ રહ્યા છે. બહાર રાજા, જે હવે 'પ્રતિક્ષ' છે, સતત આંટા માર્યા કરે છે, સૂર્ય જે રોજ, ગમે ત્યાંથી ઉગી ગમે ત્યાં આથમે છે, આજે મોજીલો થઈ ગયો છે, રાજા એનાં જલ્દી ઉગવાની આશા રાખી રહ્યો છે. ભલે ગમે ત્યાંથી ઉગે, સદગત રાણી ની ખૂબ યાદ આવી રહી છે. સૈનિકો એ રાગ ગાવા શરૂ કર્યા છે જે વધુ અકળાવી રહ્યા છે. એક તીણાં સંતોષી આર્તસ્વર સાથે સૂર્ય અચાનક ઉગી નીકળે છે. અને એક પુખ્ત સ્ત્રી, લગભગ આપન્નસત્વા, અંતઃપુરમાંથી બહાર આવે છે. રાજા હાંફળો, ફાંફળો દીકરી પાસે જઈને ગર્ભની માંગણી કરે છે.

"પિતાશ્રી, આ ગર્ભને એનું મન છે એ એનાં સમયે બહાર આવશે, મારા સ્તનો જોકે લચી પડ્યા છે દૂધ થી, પણ તમે ધાવી નહીં શકો, તમારી અશક્તિને જ તમારી વીર્યમાન કરવી પડશે."

આંગણામાં સફેદ ઝાડ ધીમે ધીમે સંકોચાઈ રહ્યું છે, કલ્પના કહે છે, "હવે સાંભળો હું કહું તે, તમારે હવે મરી જવું પડે, આ નગરનો ધ્વંસ કરવો પડે ત્યારે જ તમે ઉદાસીન થઈ શકો" રાજા, રાણી ની ઓથમાં છુપાઈ જાય છે,

કુંવરીઃ "પ્રલય પછી પણ સમયને અનંત અંતર કાપવાનું છે, તમારે ફરી ઝાડ ઉગાડવા પડશે, ફરી ચારખૂણાનું આ નગર વસાવવું પડે, જ્યાં સુધી ફરી ધ્વંસ ના થઈ જાય ત્યાં સુધી." 

રાજા, સૈનિકો ને હુકમ કરે છે, આ આખુંયે નગર જલાવી દેવા, આ સૈનિકો ડરનાં માર્યા ભાગી જાય છે. રાજા ને રાણી ખૂબ યાદ આવી રહી છે. ધીમે ધીમે સ્થળ, જળ અને જળ સ્થળ થવા માંડે છે, વિસ્ફોટ બહુ નાજુક છે. નગર સંકોચાવા માંડ્યું છે, સાથે સાથે નક્કર પણ થવા માંડ્યું છે. એનું વાતાવરણ પારદર્શક પણ કાચ જેવું વાગી શકે એમ છે. રાજા, દોડીને બહાર આંગણામાં સંકોચાઈ રહેલા ઝાડની ડાળી લઈ આવે છે. પોતાની સગર્ભા દીકરીનાં પગ સુધી લાંબા વાળ એક ઝાટકે કાપી નાખે છે,

ઘચ્ચ્ચ્ચ..........

અટકી જાય છે સઘળું, અટ્ટાહાસ રાજાનું સંભળાઈ રહે છે, ચરેબાજું. રાજ, કલ્પાનાને હવે કલ્પિત નાં નામે રાજા કરીને સિંહાસને સ્થાપે છે. પ્રજા પણ ખૂબ શાણી છે, પોતાનાં સગર્ભ રાજા ને જોશ ભેર વધાવી લે છે. ઘડીયો ગણાઈ રહી છે એનાં પ્રસવની રાણી એ ઉત્સવની તૈયારી કરવા માંડી છે. રાણી, દાયણ બની શકે છે. આ બાજુ રાજા કલ્પનાનાં કાપેલાં વાળ લઈ, રસ્તામાં મળી ગયેલી અપ્સરાઓ સાથે એકદમ ગાંડાની અવસ્થામાં નગરની બહાર જતો જોવા મળે છે. પ્રધાન હવે "સ્વાંગ" નામે વ્યંઢળ છે. નગરમાં એનું ખૂબ માન છે. અચાનક હવે પ્‍હોર ફાટે છે, નગરનાં સૈનિકો વધાઈ નાં ગીતો ગાઈ રહ્યા છે, કારણકે નગરનાં દરવાજે નવોન્મેષ નામે એક નવો પ્રધાન ઉભો છે. ધીમે રહીને કલ્પિત રાજાનાં આંગણામાં સફેદ ઝાડ ઉગી રહ્યું છે, પ્રાંગણ એની બળી ગયેલી કૂંપળો સંઘરી ઉભું છે. ગૂંબજમાં નગ્ન તૈલચિત્રો દોરવાનું કામ આ નવા પ્રધાને હાથમાં લીધું છે. બરાબર રાણીની વરસીનાં દિવસે જ કલ્પિત રાજા ને પ્રસવ થાય છે. જન્મેલ બાળક દોડીને પ્રાંગણમાં આવેલા ઝાડ પર ચડી જાય છે. રાજાએ સમયથી વહેલો પ્રસવ કરાવી દીધો છે એનાં ગુનાસર આશીર્વાદ આપે કે, 'સદૈવ મરતા રહો' અને પડતું મૂકે છે.

Wednesday, August 14, 2013

પોલીસની ગાડી ને કતલની તપાસ

એક દિવસ સવારે ઉઠી ને જોયું તો એ ત્યાં ન'તી, આ ન'તી એટલે શું? ન'તી એટલે કે એને સ્થાને હવે ત્યાં માત્ર અવકાશ છે, એટલે કે એ જગ્યા સાવ ખાલી નથી. આપણું કામ શિલ્પકાર જેવું છે, હવે હાથમાં ટાકણું લઈને આ અવકાશ ને ટાંચી ટાંચીને જગ્યા કરી આપવી પડે, એટલે આ આખાયે શહેરમાં રહેતાં બધાયને બતાવી બતાવી પૂછી શકાય, કે આને ક્યાંય જોઈ છે તમે?.

ઘણાંયે હા પાડી અને મારી છાતી તરફ આંગળીય ચીંધી, અને ઘણાંયે એકદમ કોઈ અદાકારનાં કારુણ્યથી માથું ધુણાંવતા ના પાડી, આ બીજા જે છે એમને હવે બાંધી રાખ્યા છે, સર્ક્યુલર રૂટની બસમાં, મણિનગર થી મણિનગર, ડેટ્રોઈટ થી ડેટ્રોઈટ, બેંગ્લોર થી બેંગ્લોર, મણિનગર- બેંગ્લોર - ડેટ્રોઈટ - આ પલંગ.

હવે મને રોજ રાત્રે સપના આવે છે. આ સપના એટલે એકદમ સાચું, સપના એટલે આ જીવીએ છીએ તે.

"બસ, અહીં જ એકદમ બરાબર, જરા વધુ ફોકસ." મેં બૂમ મારી, લાઈટીંગ વાળાને. સંભળાવું જોશે. સામે મારા બે હાથ, બે પગ, એક માથું, એક ધડ, અને બે જાંઘ, પડ્યા છે. વારાફરતી કાન પહેરે છે. પ્રકાશ સંભળાય. અવાજમાં પ્રકાશ હોઈ શકે.

કાલે શાકમાર્કેટમાં બે બેનો વચ્ચે આ બાબતે જ બબાલ થઈ ગયેલી કે, કોનો વર સૌથી વધારે મૂંગો છે. કાછીયો કોઈકનો વર હતો. આજુ બાજુ બધે સગર્ભાઓ ફરી વળી જોત જોતામાં માથે, મચ્છીનાં ટોપલા, પોમ્ફ્રેટ બુમલા, આ બુમલાની લાંબી બૂમ મારતા જ નવ નવ મહિનાનો ગર્ભ જાણે ત્રાહિત થઈ ને ના પાડી ગયો કે ના હવે નંઈ.

તે તમેય આ પ્રકાશ વાંચો છો ને ભાઈ મારા, હવે તો પછેડી બાંધી બેસી રહ્યા, ઝાડ વગરનાં ઓટલે. જેમ જેમ વધુ બેઠાં એમ એમ વધુ કદ ઘટતું જાય, છેવટે ક્ષણનાં કાણાં માંથી છટકવા જાઓ કે લંબાઈ પડાય મૃત્યુ નામે ભર ઉનાળે વાવનાં પગથિયે જામી ગયેલી લીલ પર. સૂર્યને લલચાવી લલચાવી નજીક લઈ આવી છે આ મેનકા. ધરતી રાંડી રાંડ, આ મારા, તમારા જેવા રોજ રોજ ખોળે જઈ ઢબૂરાય છે તો ય ધરાતી નથી.

છેક સામે પેલી ગલીમાં, મોટા કવિનાં ઘરની બહાર જ, એક બામણ, હાથે અંધ ને બાથે બંધ, ગાયનાં શિંગડામાં ભરાઈ રહેલો ચાલી રહ્યો છે, આ ગાય ને હવે લોહીની ગંધ અડી ગઈ છે. સાંભળ્યું છે બાજુનાં ગામમાં તો મરઘાં ખાઈ ખાઈ ગાયો જીવે છે. હરિહરિરિહહરીરહીહિરરિહિહીહીહીહીહીહીહી, Indeed, this is the most extraordinary findings Mister. "એ ય રિક્ષાવાળા ઉભો રે, અમે ૪ જણાં છીએ, જો આ બે પગ ને મૂકી આવવાનાં પ્રયાગમાં, બે હાથ કાશી, આ માથું સિદ્ધપુર અને આ ધડ ફેંકી આવવાનું વારાણસીમાં, મંજૂર? આ મારી આત્માથી વધારે એક અજન્મ્યું બાળકેય નહીં મળે ભાડા પેટે."

હજી આટલું જ નોંધુ છું કે કોઈએ બૂમ પાડી ને બેકસ્ટેજ પરથી, "હરામખોર, ત્યાં મચકોડાયેલો પગ પડ્યો છે." ને મેં મૂકી દીધું લખવાનું અને માથે મોઢે ઓઢી સૂઈ ગયો. હવે કોઈ જગાડશો નહીં. કારણકે જાગવું એટલે અહીં મરી જવું, અને જીવવું એ જાણે કે શાશ્વત સ્વપ્ન. જો જો આ મચકોડાયેલો પગ કેવો ભેટે છે આપણ ને, મારા વગર ચાલે એને? એની પાછળ પણ એક કાચની બરણીમાં મૂકેલ સગો આવે છે. આરપાર જોવા દેશે પણ છેક સુધી જવા નહીં દે. "અરે યાર જાણે કંઈ થયું જ નથી એમ જ વ્યવહાર કરવાનો." આ બ્રહ્મમંત્ર છે આ કલ્પનાની દુનિયાનો.

આ કલ્પનાની દુનિયામાં હવે કલ્પના કરો.

કલ્પના કરો
કે કાળા એકદમ આંખ જેવા આ ઓરડામાં તમે હાથમાં પ્રકાશની પાટી લઈ ઘૂંટ્યા કરો અને બાજુમાં ચાદર ઓઢી દિલ્હી ઉંઘ્યા કરતું હોય, અને એક જ છીંકે, એક જ છીંકે બધો જ કાળો શિલાલેખ હાથમાં ઉતરી આવે, પણ બતાવવા માટે ત્યાં કોઈ હોય નહીં એમ બને?

કલ્પના કરો
કે જ્વાળાનાં શહેરમાં, જ્વાળાનાં ભગવાન ને પ્રસન્ન કરી ને તમે ધગધગતો લાવા જેવો મહારાસ જોવા પહોંચી જાઓ, અને દિવ્ય પ્રકાશ રૂપે હાથમાં બુઝાયેલી મશાલ પકડાવી દેવામાં આવે અને ધીમે ધીમે તમારો આખોય હાથ બુઝાઈ જાય.

કલ્પના કરો
કે ગળું કાપીને એની જગ્યાએ સાપની ફેણ મૂકી દઈએ તો આપણાંમાંથી કોઈને પણ હવે અભિનય કરવાની જરૂર પડશે નહીં, Touche my friend!


હવે બારણાં પર ટકોરા પડવામાં જ છે. વોરંટ લઈ ઘુસી આવશે જાગી ગયેલાં માણસો, એકદમ અવિશ્વાસ સાથે તાકી રહેશે મને અને મારાં પલંગ ને, જ્યારે પણ આ કલ્પનાઓ એમનાં હાથે ચડશે, મરી જશે. જાણે મેડ્યુસાનાં ચહેરા તરફ તાકી પડાયું હોય, એકદમ ભાન ભુલેલાં ગ્રીક યોદ્ધાની જેમ, અને હું આબાદ છટકી જઈશ.