Thursday, August 15, 2013

નિયત કવિતા

'સદૈવ મરતા રહો' નાં આશીર્વાદ સાથે જે પ્રાંગણમાં સફેદ ઝાડ ઉગી નીકળે એ ઘર રાજમહેલ થઈ જાય. આવી લોકવાયકા ને સાચી ઠરાવતો રાજમહેલ હજીય એ ઝાડની બળી ગયેલી કૂંપળો સંઘરીને ઉભો છે.
નગરનાં નામે ચાર ખૂણા છે અને પ્રજાનાં નામે માત્ર સૈનિકો છે, સૈનિકો બોબડાછે, સૈનિકો માત્ર ક થી હ સુધી બોલે છે, સૈનિકો હાથમાં હાથ નાખી ને ગીતો ગાય છે.

"ક્યાં છે મારો પ્રધાન?, મને તાત્કાલિક વારસ લાવી આપે", અચાનક થઈ ગયેલા રાજા ને અચાનક ઈચ્છા થઈ જાય છે.

હાથ જરાક છૂટો કરો તો મહેલનાં ગૂંબજ ને અડી શકાય, અડી અડી ને આંગળીઓની છાપથી નગ્ન તૈલચિત્રો બનાવી બનાવી પ્રધાન પાછળ તરફ વળી ગયેલો છે, નામે 'મહાકામી' છે. હુકમ થયાની સાથે જ દરબારમાં પહેલા કમર અને પછી વાંસો ને પછી માથું એમ કરતાં મહાકામી પ્રવેશે છે.

"પ્રયાસરાજ, આંગણે આ વૃક્ષ ખૂબ માયાવી છે, રાત જ્યારે શાંત હોય, સંગીત નાં નામે માત્ર પેટ બોલતું હોય ત્યારે લોહી ભરાઈ આવવાથી વૃક્ષથી જે ડાળખી બટકાઈ પડે, એ ડાળખી જો સુફલા રાણી નાં ઓશીકા નીચે મૂકીએ તો ઉપદેશક જેવો વારસ મળવાની સંભાવના છે."

રાજા ને કંઈજ સંભળાતું નથી એ તો માત્ર વિસ્ફારિત આંખે જોઈ રહ્યો છે. એ પ્રમાદી નથી, અશક્ત પણ નથી, ખૂબ વાસ્તવિક છે. માટે જ તો સિંહાસનની આજુબાજુ પાળી બનાવી રાખી છે. સવારે ક્લ્પવૃક્ષ નીચેથી સફાળો જાગી જાય છે. બાજુમાં એકદમ નાજુક પણ વેધક દ્રષ્ટિ કરતી બાળકી શાંત બેઠી છે. આંખો પાણીદાર, વાળ પગ સુધી લાંબા છે, નામ પૂછ્યું તો કહે કલ્પના.

રાજા દીકરીને લઈ  દોડી જાય છે, અંતઃપુરમાં જઈ રાણી અને પ્રધાન ને જગાડે છે, રાણી સુવાવડ ન સહી શકી અને મૃત્યુ પામે છે. પ્રધાન અચાનક સીધો થઈ જાય છે, મૂછ જરીક કાળી થવા માંડે છે. સૂર્ય ઉગીને પાછો પૂર્વમાંજ આથમી જાય છે. નેપથ્યમાં સૈનિકોનાં મરશિયા સંભળાય છે. સંવાદ જરાય નથી, અકળાઈને રાજા ફરમાન કરે છે.

"કાપી નાખો, જે ગાય છે એ બધાની જીભ કાપી નાખો, જે નથી બોલતા એનીય જીભ કાપી નાખો, લોહીમાં દૂધ પીતી કરો મારી દીકરીને, કાલે જ એનાં લગ્ન લેવાનાં છે."

"હે રિક્તસ્વામી" પ્રધાન બોલ્યો "હું કલ્પના ને ખૂશ રાખવા ખૂબ પ્રયત્નો કરીશ, વળી કાલે રાણીની વરસી પણ છે, શક્ય છે કે કલ્પના જરાક મરતલ થઈ જાય, પણ મારા આ સતત જુવાન થતા બાવડા બધું સાચવી લેશે."

લગ્નનો સમય છે, પુરોહિત લલકારે છે, 'કન્યા પધરાવો સાવધાન', અને રાણીએ ખૂબ ઠાઠ થી સોળે શણગાર સજાવેલી કલ્પના પાનેતરમાં આવે છે, સ્વર્ગીય કલ્પના લાગી રહી છે. આ જોઈ પ્રધાન, જે હવે "કલ્પ સ્વામી" તરીકે ઓળખાય છે, નારાજ થઈ રહ્યો છે, એને ખબર છે હવે એને રાતે આ શણગાર ઉતારવા ખૂબ મહેનત થવાની છે, કલ્પના ને ઢાંકવા ખૂબ મહેનત કરી છે રાણીએ. કલ્પનાનાં વાળ પગ સુધી લાંબા છે. રાત જાણે પહેલી વાર પડી છે, અંતઃપુરમાં કલ્પના અને કલ્પસ્વામી બંધ છે, રૂઢિવશ નિર્વસ્ત્ર થઈ રહ્યા છે. બહાર રાજા, જે હવે 'પ્રતિક્ષ' છે, સતત આંટા માર્યા કરે છે, સૂર્ય જે રોજ, ગમે ત્યાંથી ઉગી ગમે ત્યાં આથમે છે, આજે મોજીલો થઈ ગયો છે, રાજા એનાં જલ્દી ઉગવાની આશા રાખી રહ્યો છે. ભલે ગમે ત્યાંથી ઉગે, સદગત રાણી ની ખૂબ યાદ આવી રહી છે. સૈનિકો એ રાગ ગાવા શરૂ કર્યા છે જે વધુ અકળાવી રહ્યા છે. એક તીણાં સંતોષી આર્તસ્વર સાથે સૂર્ય અચાનક ઉગી નીકળે છે. અને એક પુખ્ત સ્ત્રી, લગભગ આપન્નસત્વા, અંતઃપુરમાંથી બહાર આવે છે. રાજા હાંફળો, ફાંફળો દીકરી પાસે જઈને ગર્ભની માંગણી કરે છે.

"પિતાશ્રી, આ ગર્ભને એનું મન છે એ એનાં સમયે બહાર આવશે, મારા સ્તનો જોકે લચી પડ્યા છે દૂધ થી, પણ તમે ધાવી નહીં શકો, તમારી અશક્તિને જ તમારી વીર્યમાન કરવી પડશે."

આંગણામાં સફેદ ઝાડ ધીમે ધીમે સંકોચાઈ રહ્યું છે, કલ્પના કહે છે, "હવે સાંભળો હું કહું તે, તમારે હવે મરી જવું પડે, આ નગરનો ધ્વંસ કરવો પડે ત્યારે જ તમે ઉદાસીન થઈ શકો" રાજા, રાણી ની ઓથમાં છુપાઈ જાય છે,

કુંવરીઃ "પ્રલય પછી પણ સમયને અનંત અંતર કાપવાનું છે, તમારે ફરી ઝાડ ઉગાડવા પડશે, ફરી ચારખૂણાનું આ નગર વસાવવું પડે, જ્યાં સુધી ફરી ધ્વંસ ના થઈ જાય ત્યાં સુધી." 

રાજા, સૈનિકો ને હુકમ કરે છે, આ આખુંયે નગર જલાવી દેવા, આ સૈનિકો ડરનાં માર્યા ભાગી જાય છે. રાજા ને રાણી ખૂબ યાદ આવી રહી છે. ધીમે ધીમે સ્થળ, જળ અને જળ સ્થળ થવા માંડે છે, વિસ્ફોટ બહુ નાજુક છે. નગર સંકોચાવા માંડ્યું છે, સાથે સાથે નક્કર પણ થવા માંડ્યું છે. એનું વાતાવરણ પારદર્શક પણ કાચ જેવું વાગી શકે એમ છે. રાજા, દોડીને બહાર આંગણામાં સંકોચાઈ રહેલા ઝાડની ડાળી લઈ આવે છે. પોતાની સગર્ભા દીકરીનાં પગ સુધી લાંબા વાળ એક ઝાટકે કાપી નાખે છે,

ઘચ્ચ્ચ્ચ..........

અટકી જાય છે સઘળું, અટ્ટાહાસ રાજાનું સંભળાઈ રહે છે, ચરેબાજું. રાજ, કલ્પાનાને હવે કલ્પિત નાં નામે રાજા કરીને સિંહાસને સ્થાપે છે. પ્રજા પણ ખૂબ શાણી છે, પોતાનાં સગર્ભ રાજા ને જોશ ભેર વધાવી લે છે. ઘડીયો ગણાઈ રહી છે એનાં પ્રસવની રાણી એ ઉત્સવની તૈયારી કરવા માંડી છે. રાણી, દાયણ બની શકે છે. આ બાજુ રાજા કલ્પનાનાં કાપેલાં વાળ લઈ, રસ્તામાં મળી ગયેલી અપ્સરાઓ સાથે એકદમ ગાંડાની અવસ્થામાં નગરની બહાર જતો જોવા મળે છે. પ્રધાન હવે "સ્વાંગ" નામે વ્યંઢળ છે. નગરમાં એનું ખૂબ માન છે. અચાનક હવે પ્‍હોર ફાટે છે, નગરનાં સૈનિકો વધાઈ નાં ગીતો ગાઈ રહ્યા છે, કારણકે નગરનાં દરવાજે નવોન્મેષ નામે એક નવો પ્રધાન ઉભો છે. ધીમે રહીને કલ્પિત રાજાનાં આંગણામાં સફેદ ઝાડ ઉગી રહ્યું છે, પ્રાંગણ એની બળી ગયેલી કૂંપળો સંઘરી ઉભું છે. ગૂંબજમાં નગ્ન તૈલચિત્રો દોરવાનું કામ આ નવા પ્રધાને હાથમાં લીધું છે. બરાબર રાણીની વરસીનાં દિવસે જ કલ્પિત રાજા ને પ્રસવ થાય છે. જન્મેલ બાળક દોડીને પ્રાંગણમાં આવેલા ઝાડ પર ચડી જાય છે. રાજાએ સમયથી વહેલો પ્રસવ કરાવી દીધો છે એનાં ગુનાસર આશીર્વાદ આપે કે, 'સદૈવ મરતા રહો' અને પડતું મૂકે છે.

No comments:

Post a Comment