Friday, August 30, 2013

વાર્તાનો વ એટલે કે ચિંતન કેટલા?

પાથરીને ઉભો છે એ ત્યાં, દિવસ રાત, એવી રીતે જાણે સદીઓથી ઉભો છે, પાથરીને એટલે જાણે કે પોતે વિસ્તરી ને, સહેજ ધૂળ ખખડે કે એનું રૂંવાડું ખરડાય, કોના માટે? નામ ના લેવાય, અને નામ જો લઈ લેવાય તો બસ જાણે કે ભેજ સમું, અંદર કદીય ના ઉતરે. --  ના ના કાલે જ ડોક્ટરે કહ્યું હતું કે એમને આ વાત કહેવી જ નહીં, તારે પછી! -- અને આ તો અનંત સુધી વિસ્તરતું જાય, કોઈ સીમા વગર, આ જુઓ નજર જેટલે જાય એ જ દેખાય એને કહી દેવાનું આ તારી લિમિટ. રાહ જોઈ જોઈ ને, પોતે ક્યાંકથી છૂટી જાય છે, એટલે કે No men's land, Limbo. ચાલશે, જોવામાં તો લોકોનાં આખે આખા હાથ બળી જવાનાં દાખલાં છે. -- નર્સ, નર્સ, જી ડોક્ટર, આમનો ચાર્ટ ક્યાં છે?, કોઈ આવ્યું હજી સુધી એમને જોવાં, મળવાં, લેવાં?, ના સર -- અને રાહ જેની જોતાં હોઈએ એ આવી પડે બે બાજું એ થી, એક બાજુંએ થી કોઈ વરૂ જેમ જાણે કોઈ ગુનો નથી, દેખીયે તો દાઝીયે ને, એમ આંખો બંધ કરી ઉખેડે જાય છે, જે પણ રસ્તે આવે તે, જોયાં વગર, પૂતળાં હોય કે, પછી આખે આખાં જ્યોતિ રથો, કે પછી મણિ ભર્યાં રાફડાં કે પછી પોતાનું જ હોવાપણું. અને બીજી બાજુએ થી -- સાહેબ, આ માથું બહુ દુઃખે છે હજીય, ને કશું ખવાતું નથી, કાકા, આ તો ઉંમર થઈ એટલે થોડી તકલીફ તો રહેવાની જ આરામ કરો તમે -- ને બીજી બાજુએ થી હસ્યાં કરતું ઝરખ, જાણે શું ફરક પડશે કે એકાદું હાડ-માંસનું લોથડું મરી પરવાર્યું તો, બધું જ જાણે મજાક, શું કરી લેશે આવોય ત્યાં ઉભો ઉભો? પણ એ ઉભો છે, પણ દોડી શકે છે, અવાજ માફક, ને એણે ફેફસાં ચપટાં થઈ જાય ત્યાં સુધી બૂમ મારી 'ના...' પણ બે ઘડી રોકાયાં ના રોકાયાં કરીને દૂર ક્ષિતિજે તો ઉથલપાથલ ચાલતી રહી -- સિસ્ટર, આ બાજુવાળા ભઈ ભાનમાં આયા લાગે છે -- ધડ એટલે કે છાતીનું પીંજરું જ પકડી રાખીને એ ફરી દોડી ગયો, 'ના....'.

શાંત, શાંત સૂઈ રો, સૂઈ રો, સિસ્ટર જલ્દી ડોક્ટર ને ફોન કરો

ચિંતન ઝબકી ઉઠી ગયો, કોઈ ખૂબ મોટી હોસ્પિટલનાં જનરલ વૉર્ડમાં, માણસ વધુ અને માંદગીઓ એથીય વધુ. ડૉક્ટર આવ્યાં નહીં ને આવશે પણ નહીં, પણ દોઢ દિવસ લગી બેભાન રહી ગયેલાં ને ઉઠી ને જાણે હાશ તો થઈ પણ નિરાશા પણ ભારો ભાર. નક્કી તો એમ જ કરેલું એણે, કે એ છેક સુધી પ્રયત્નો કર્યાં કરશે બધું જ બદલવાનાં, અને બદલી ના શકે તો કાંઈ નહીં પણ આખરે દેખાડી તો શકે, આંગળી તો ચીંધી શકે, પણ આંખ આડાં કાન, કોઈ સાંભળવા જોવા તૈયાર નથી, બસ પછી તો એ જ કોમન સાવ કોમન વાતો, નાની નાની અને એ જ પ્રક્રિયા ચાલું થઈ ગઈ, જેમ કોઈ આઉટકાસ્ટ બની જાય. પહેલાં ટોક્યાં કર્યું ચિંતને, પછી સમજાવ્યાં કર્યું, પછી જાતે સુધાર્યાં કર્યું, પણ બીજી બાજુંથી પ્રતિક્રિયા સાવ એ જ, મજાક, દેખાવ. ના પણ હું તો પ્રયત્ન કર્યાં કરીશ, છેક સુધી, છેક સુધી, પણ પોતે ક્યાંક ખોવાઈ જશે તો? પોતે કોણ છે એ જ ભૂલી જશે તો? પોતે જ આમ કોઈ હોસ્પિટલનાં ખાટલેથી અચાનક ઉઠી પડશે તો? હાથમાં રાખેલાં ઓશીકાં ને આખી રાત દબાવ્યાં કર્યું ને સવાર પડતાં જાણે વર્ષો જૂનો બળવો આજે જાગી પડ્યો હોય, કહી દેશે બધાને, છોડી દેશે બધાને, ભલે ને પછી નામોશી મળે. શું હાઈક્લાસ સ્પીચ તૈયાર કરેલી, તત્વજ્ઞાનનાં તો જે સંદર્ભો ભર્યાં. અંદર ઉંડે ખબર હતી એને, કે કોઈ ફરક નથી પડવાનો આનાથી. કારણકે ફરક પાડવા માટે કંઈક ખોટું કે કંઈક ફરક પાડવાની જરૂરિયાત વાળું કંઈક તો થયું જ હોવું જોઈએ. અને એમનાં મતે તો બધું બરાબર જ છે ને, બધું મજાક જ છે. એટલે થશે એમ કે ફરી પાછું બધું એનું એ જ, પોતે બધાં પ્રયત્નો છોડી દેશે, બદલવાનાં અને બધું જેમ હતું એમ જ ચાલ્યાં કરશે. અને એક સમય એવો આવશે કે એમને તો ફરક પડ્યો નથી અને પડશે નહીં પણ પોતાને ય દુઃખતું બંધ થઈ જશે.

બધું એમનું એમ, દુઃખતું પણ બંધ થઈ જશે, પાછાં જ્યાંનાં ત્યાં, ને દુઃખતું પણ બંધ થઈ જશે. દુઃખતું પણ બંધ થઈ જશે. ને નિરાંત નિરાંત, જ્યાંનાં ત્યાં ને દુઃખતું બંધ, બંધ એટલે એકદમ બંધ દુઃખતું, અને બધું ઠેરનું ઠેર. બનતા લગી આ ચિંતન સાવ નકલી હોવો જોઈએ, જો ને કે પોતે આટલું વિચારીને દુઃખી થઈને પાછો ત્યાં જ આવી પડી રે છે, અને આ લોકા નો, વિચારવું ય નંઈને પીડાવું ય નંઈ.
પોતે બેઠો બેઠો પલંગ પર નવી પોસ્ટ લખતો હતો બ્લોગ માટે, ને બારણું ખોલી ચિંતન આવ્યો

મજા આવે છે તને?

શેની?

માથાકૂટ કરવાની?

કેમ?

આ તારી છેલ્લી પોસ્ટ.

શું વાત કરે છે? એટલે લોકો ને સમજણ પડી?

મગજ મારી ના કર ચિંતન

જો ચિંતન, મગજમારી નથી કરતો, લોકો ને જે કરવાનું છે એ લોકો કરે છે અને મારે જે કરવાનું છે એ હું કરું છું

સાંજે હોસ્ટેલનાં ધાબે સૂર્યને ડૂબાડતાં ઉભા હતા અમે બે, હાથમાં સિગરેટ, રાખવી ગમે છે મને ફીલ આવે જોરદાર, અને પાછળ છેક દૂર કેબિનની દિવાલને અઢેલી બેઠેલા ચિંતનને એલર્જી છે દિવાલને અઢેલી બેસવાની તો ય બેઠો છે.

ઓય, ચિંતન, ધાર પર ઉભો છે

લે કેમ? તું નથી ઉભો?

હું દિવાલને અઢેલી બેઠો છું

સાચું કે છે?

એટલો ગુસ્સો આવે છે ને તારી પર કે હમણાં ધક્કો મારી દઉં, આ જ તારી તકલીફ છે.

હાહ, થોડી તકલીફ તો રેવાની ભૈ સાબ.

હોસ્પિટલનાં પલંગથી ઉભા થતા, ચિંતન ને યાદ કર્યો, ને ધાર પરથી એક પગલું આગળ ધર્યું ને ઉભો થયો ને બહાર જવા નીકળ્યો. ને બાજુમાં કોઈ બેન ને થયું કે લાવ એને યાદ અપાવું કે આ ભઈનું નામ શું છે, ચિંતન જવાબ આપ્યો અને સિરિંજ ખોસેલો હાથ બીજા હાથમાં લઈ નીકળી પડ્યો. બહાર જવાનો રસ્તો શોધતા શોધતા થાકી ગયો જાણે આખો પલંગ ઘસેડીને લઈ આવ્યો હોય એમ, બહાર ફૂટપાથ પર જતાં આવતાં લોકો, વાહનોનાં હોર્ન ને હસાહસ, ચીસ, રુદન, એમ્બ્યુલન્સની રાડો.

એ દિવસે બસમાં ચિંતનની જોડે જ હતો એ, પોતે ઉભેલો ને ચિંતન ને જગ્યા મળેલી તો બેવની બેગ સંભાળતો એ બેઠો હતો. બેઠેલો ઉભેલાને જોઈ સતત હસ્યા કરતો'તો.

હસ નંઈ હરામી

બેસવું છે

ના, નથી બેસવું.... હસ નંઈ તું નંઈતર આપીશ એક.

એવું જ થાય

કેવું થાય?

નથી ગમતું ને તને, ઘેટું થવાનું તો લે આ ઉભો ટોળામાં

બસ લા, અહીં  નહીં, ઘરે જઈને

ના ના બોલ ને ઘરમાં તો ક્યાં તને ઝપ છે

હા નથી ઘરમાં, પણ છે એવા લોકો જ્યાં જવાય ઝપ મેળવવા

ભૂલે છે તું, કાયમ આમ ઝંડા લઈ લઈ ને ફરે છે તો ક્યારેક ચીંથરાં નીકળી જવાનાં છે.

ને બસની જોર બ્રેક સાથે ભીડમાં ઉભેલાનો જવાબ ક્યાંય ખોવાઈ ગયો ને બાજુમાં જોયું તો હવે વળવું પડશે, બાજુમાં એક બઈ બેઠી છે, કાળી સરખી, આ આખીય વાર્તાનું જાણે કથાનક ભરેલું છે એવી આંખો, વાળ મેલાં પણ શું ફરક પડે છે? પહેરે કપડે એવી લાગે જાણે દુનિયા આખીયનો મંતર એની આગળ પાથરેલી શણની ચાદર પર મૂકેલી મગફળીમાં ભરેલો છે. ઘરાક ને બોલાવતી ભાવતાલ કરતી હોય એ તો એમ જાણે બ્રહ્માંડોનાં વિધિનાં લેખ માંડી રહી હોય, 'ના સાહેબ એનાંથી એક રૂપિયો ય ઓછો નહીં થાય' કહીં પંજો બતાડતી પોતાની શીંગો પાછી એમ લેતી હોય જાણે હમણાં બે તારા ખરી પડ્યાં હોય. ચિંતન એની સામે જઈ ઉભડક, હાથ ધરી રહ્યો, સિરિંજ ખોસેલો, મોંઢે માથે કેવાય કાળ વીતી ગયા નો ભાર, ને હાથ કોણી થી સહેજ એવો ઝુકેલો કે હાથેળીમાં પકડી રાખેલી થોડી ઘણી મૂરખની આશાઓએ અનહદ ભાર વધારી દીધો હોય.

બેન, બે-ચાર શીંગ આપશે? ભૂખ લાગી છે

બસ અહીં બેક ક્ષણ માટે સમયને થંભાવી દો, આ હાથ લાંબો કરી રહેલા ને આ ક્ષણ એક સદી જેવી લાગવી જોઈએ, એને દેખાવા જોઈએ એનાં પાથરી રાખેલાં બધાંય લબાચાં સાવ સૂકાઈ તતડી જતાં, ને એને હજીય પોતાનાં સાવ કોરાં પડી ગયેલાં શ્વાસોનાં અવિશ્વાસ સાથે જ્યાં આખો ઉખડી જવા જ જતો હતો, કે વરસાદનાં આનધાર્યાં છાંટા જેવી ચાર શીંગો હાથમાં મૂકી દીધી, ને ભાર નમેલો હાથ એકદમ જ સહેજ ઉંચો થયો. આ બઈ એ, ન પહેલાં કંઈ કીધું કે ન પછી કાંઈ કીધું. ચિંતન વધુ બેસી ન શક્યો ત્યાં ને તરત જ ઓલવાતો દીવો બમણાં જોરથી સળગે એમ, બેવ પાની દાબી ઉભો થઈ પાછો જવા લાગ્યો પોતાનાં પલંગ તરત, ત્યાં સૂવા મળ્યું, વર્ષો પછી, જ્યાં કોઈકે નામ યાદ અપાવ્યું વર્ષો પછી. જ્યાં એ જાગ્યો વર્ષો પછી.

પાછા ફરતી વખતે સામે થી આવતાં-જતાં બધાંની સાવ આંખમાં એટલે કે ખાલી આંખમાં જ જોઈ ને, મનમાં જેને ભગવાન કરી બેઠેલો એને મોં બતાવી હાથેળી આકાશ તરફ ફેરવી, આંગળી અંગૂઠા સહેજ ઢીલાં કરીને જોઈ લીધું પેલી બઈનાં રહસ્ય ને. બહારથી કોઈ ઓળખતું નથી, અને અંદરથી ઓળખવા વાળાં હજી કંઈક રીતે એને બાંધી ને રોકે એ પહેલાં જ સ્વેચ્છાએ ઢળી પડ્યો, ભીષ્મની માફક.


3 comments:

  1. મને કેરેકટરનું નામ ચિંતન ના ગમ્યું બાકી લખાણ સરસ છે !

    ReplyDelete
    Replies
    1. ખૂબ ખૂબ આભાર સર, ગમે તે, ગમે ત્યારે બદલી જ શકાય છે.

      Delete