Sunday, August 18, 2013

બાર વરસની બોબડી, ઝાંઝરિયાળાં નેણ; ફૂલ ભરેલી ફેણ, ખરબચડાં પેઢુ પછી.

બાર વરસની બોબડી

They have departed! oh! how sad! જો પણ ધ્યાનથી પેલો સાધુ જોઈ જોઈ ને હસ્યાં કરે છે. ડૉ. ફ્રોઈડની સામે બેસાડીને એને કહો કે સૂઈ જા, તો તરત સૂઈ જાય. પાંપણનાં કાંટા નડે નંઈ જરાય. પણ અહીં જ તો મોટી રમત છે. જો ઉંઘમાં હાથમાંથી ચાવી છૂટી ગઈ તો કડડભૂસ કરતાં આ નાસી ગયેલાં બધાંયે છાપરું તોડીને ઘૂસી આવે, પછી આટલાં મોટા ટોળામાં તમારો ફ્રાઈડ, એટલે કે ફ્રોઈડ ક્યાં શોધવા જાઓ? હા, એ ખરું કે પહેલી સ્ત્રીનાં પહેલાં સ્તન પર બાઝી રહેલી ફેણ વગરની ધામણ પેલું જૂનું જાણીતું હસ્યા કરે. પણ બોબડી બોલે નંઈ, મોઢા ભરાયેલાં હોય, ને સ્ત્રીને બાર બાર વરસે જામી ગયેલાં રાફડાં, ઓ માડી! તને ધાવણ ધર્યાનાં શરાપ.


ઝાંઝરિયાળાં નેણ

નથી, નથી તળિયા પણ તળિયા ઝાટક નિરવ શાંતિ ખરી. ખાસડા ઘસી ઘસી ને રસ્તા સુંવાળા કર્યા? એમ? એય આમ શું વાંચો છો? જુઓ પહેલાં ભાર આપો, ખાસડાં પર, પછી રસ્તા પર અને છેલ્લે સુંવાળા પર. એટલે ૩-૩ વાર તો ખાલી આ પગ, રસ્તાં વચ્ચેનાં અણુએ અણુને મહત્વ મળે. અને ત્યાં જ કોઈ સાવ છૂટી ગયેલી આવૃત્તિનાં છેલ્લાં તરંગ પર ગાંધી નીકળી આવે, તો ભલાદમી તમે ચપટીક સબરસ નાખી આલો ઝોળીમાં એમની. પછી તો, વોય વોય જે સૂસવાટ, વોય વોય જે રઘવાટ. વર્ષો વર્ષો રહે પણ સ્થિર ના થાય. રામ જેવું કોઈનું નામ ના થાય. બસ! (રેફરીની વ્હીસલ સંભળાય), રાઈટ હેન્ડ અપ. અરીસા પકડ, જોર સે નીચે પટક. હવે આ આધુનિકોનાં જમાનામાં તો તળિયે ખૂંચી ગયેલી એકેક કરચ, ને પાની એ ચોંટેલો એકેક હરફ, મારી તમારી મેહબૂબાની ઘૂંટીએ અથડાતાં ઝાંઝર ના કહેવાય તો, થૂ!

ફૂલ ભરેલી ફેણ

અરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી! પલંગમાંથી પડી કેવી વેરાઈ ગઈ બાળકી. હવે ઘરનાં મોભને તિરાડ પડી છે, તે બોલતાં આવડ્યું ત્યારનો ઉભો છે, તે ક્યારેક તો થાકે ને. કાલે એને સદીઓ વીતી ગયેલી થાકી જતાં. આજે એક જ દિવસમાં થાકી ગયો, હું જરી બહાર લટાર મારવા જ ગયેલો. તે હેં વાંચક! તારામાં જરાય છાંટો નથી, ઈન્સાનીયત નો? બે ઘડી પીઠે ફૂંક મારી આપી હોત તો? તમે વાંસળીની અપેક્ષા જ ખોટી કરો છો, દમ તો ફૂંકમાં જ હોવો જોઈએ, બોલે તો, ફેફડે મેં. તે હવે પિચ્ચરમાં ય બતાવે છે કે ધૂમ્રપાન કરને સે કર્ક રોગ હો સકતા હૈ. હાય તે આ સિગારેટની રાખ ખીલેલાં બગીચામાં લટાર મારી આવો, અરે જરા જઈ તો આવો, મરી જવાય તો જ તો પાછાં જીવાય ને. ખબર પડી! રાખ ખીલેલાં એટલે ફૂલ ને આ ફેણ એટલે?, અરે મારાથી કંઈ કહેવાય? આવું અપમાન તમારું કરાય?

 ખરબચડાં પેઢું પછી

મારાથી જેનું સતત ચિંતન થઈ જાય છે તે, પેલો લખી ગયો. તે હરામી! તારું મગજ કોઈએ ઝાલી રાખેલું? માથે બંદૂક ધરેલી? એવું કેમનું ચિંતન થઈ જાય? ના પણ યાર આમ ફેન્ટસી ફેન્ટસી રમી ને થાય શું? રસ, લસલસ કરતો રસ પડવો જોઈએ તો જ, લાળ ટપકતાં રીંછડાં ખેંચાઈ આવે. ને પછી તો અબ્દુલ ઘાંયજો જ આપડો સરદાર, ફટાફટ અસ્ત્રો ફેરવી આવે કે રીંછ ને નડે છોછ. પછી તો એ ય ને લીલાં લેહર. હાથથી ઓપ આપી આપી ને કેવી સુંવાળી કરી હોય, પણ આ નજરમાં પડતો પ્રકાશ જ્યાં અડી આવે છે, ત્યાં ધીરે રહીને ઉતરી પડો, તો ખબર પડે કે ખરબચડું કોને કહેવાય. ઈતિ સિદ્ધમ. પછી તો પલંગનાં પાયા કાપી આવો, ને એમાંથી કલમ બનાવી આપો, કે કેવી સુંદર કવિતા લખાય છે, સર્વાંગ સુંદર. સુંદર એટલે અપરંપાર અસુંદરતાઓનો સંપુટ.

પાછાં વળતાં ઉચરીએ, ગણકાનાં ગુણગાન

જ્યારે આવે ભાન, ભોંય સટોસટ પલંગમાં

No comments:

Post a Comment