Saturday, October 19, 2013

પગલું ભર્યાનો વાંક

ડિવાઈડર છે એની નીચે રોડ છે અને રોડ પર ચાલી રહેલી એકાદ ગાય અને એની બાજુમાં દારૂ પીને પડી રહેલો માણસ અને માણસની બગલ નીચે થી ફૂટી જતું ઘાસ અને ઘાસ ટોચે ઉભી રહેલી કીડીને આજે પ્રશ્ન થયો છે કે આ ગંધ કોની આવે છે અને આ બણબણતી માખોનાં પગ નીચે ચોંટી આવતાં કેટલાંક શિયાળાનાં સ્મરણો ના ના એ વરસાદનાં હોઈ શકે અને હોઈ શકે બરફ પડ્યાનાં તે હિમનદીને ઓળંગી જતાં પવનની સાપેક્ષે ઉડવું તો આ માખીને કેમ કરી ને ફાવે એટલે બેસી જાય વારે વારે હાથ ઉપર જે હાથ વારે વારે મોઢા પરથી માંખ ઉડાડે છે એ મોઢાની કલ્પના કેવી ગમે એવી છે કે કોઈ મોઢું હોય તમારી ગમ્મત પ્રમાણે જુવાન કે ઘરડું પણ ગમે તે રાખો એક-બે કરચલીઓ રાખવી પડે તો જ માખી આકર્ષાય ને તો જ હાથ ઉંચો થઈ શકે માખી ઉડાડવા માટે અને બરાબર એની બેઠકની નીચે થી પેલી કીડીઓની હાર નીકળી જાય ને કોઈ ગાય એની ચારેબાજું ફર્યા કરે પૂંછડી હલાવ્યાં કરે એનાં એક એક શિંગડાનું ભૂંગળું કરી વગાડી નાખો ને જુઓ કે આપણો દેશ કેવો જાગી જાય છે જાગી જાય તે આપણો પોતાનો દેશ અને જે ઉંઘી રહે તે આપણાં બાપાનો અને બેય બગલમાં ગુમડાં લઈ ફર્યાં કરતાં તમે કેવીક દુનિયામાં જઈ ને હાથ ઉંચા કરી શકશો કે લોકો ચીડનાં માર્યા મોઢું ના ફેરવી લે અને એમ કરતાં કરતાં ઘાસની ટોચે ઉભેલી કીડીનો પ્રશ્ન લઈ માખી નાં ખભે ઉડ્યાં તો ખરાં આ માણસનાં મોંની બદબો થી ગાય ને ભગાડી ભગાડી એની ચામડીની કંપારીમાંથી વેગ ભરીને નાસ્યાં આ રસ્તા ઉપર કે સીધો ડિવાઈડરની કિનારી અડાતાં જ ટ્રાફિક રોકાઈ જાય ને રસ્તો સાવ ચોખ્ખો છે જઈ શકાય છે પણ પાછળથી શર્ટ ખેંચી ખાવા માટે પૈસા માંગતા બાળકનાં વિકાસેલાં મોઢામાં એવાં ખોવાઈ જવાય કે વર્ષો વીતી જાય ત્યાં એ જ ડિવાઈડર પર ઉભાં ઉભાં ને સાબિતી આપતો કીડીઓનો રાફડો જામી ગયો હોય ચારે બાજું ને જુઓ કે આખી વાત હવે રીપીટ થવામાં છે જરાં જુદી રીતે અને જુદાં સંદર્ભમાં પણ આપણું કામનો લખી લખીને છાપ્યાં કરવાનું ને કોઈ છોકરાં ને દિવસનાં ૧૦૦ રુપિયા આપીને ધંધે લગાડી દેવાનો કે આવાં ઉભેલાં દરેક થાંભલાં ઉપર તમારી ઍડ લગાવી આવે બે-ચાર માણસોને ય આપે ને બે-ચાર ડૂચા વાળીને ગંધાતા નાળામાં પણ ફેંકી દે ને રસ્તે રખડતો બીજો કોક આદમી એ વાંચી ને ઍડ્રેસ શોધતો શોધતો આવી ચડે તમારી દુકાનની બરાબર સામેની ફૂટપાથ પર ને તમે ફોકસ લગાવી બેસી જાઓ એકદમ.....

એ... હવે વધશે આગળ
                                એ ભર્યું ડગલું
                                                    રસ્તો ક્રોસ કરવા
                                                                         ગાય ને પસાર કરતો
                                                                                                       ડિવાઈડર પર
                                                                                                                         પગ મૂકવામાં જ છે
...
..
.
અને
.
..
...


પીવા જેવી વાત

માથે પડી
થોડુંક વાળમાં ભરાઈ રહીને
આખોય વરસાદ
નીતરી આવે
હાથ પર થઈને
ગ્લાસમાં

હજી મોઢે અડાકે ત્યાં જ
પહેલા માળે ઉભેલ કો'ક
મિત્ર
પથરો નાખી દે

Heads કે Tails?

ગ્લાસ તૂટશે કે પીનારો?

પણ છેલ્લે એટલું તો મેં જોયું જ

કે ગ્લાસને ઉખડી ગયેલાં
રસ્તા ઉપર ફેંકી દઈને
એકીટશે તાકી રહી ને
પાછો કામે લાગી ગયેલો

જાણે કંઈ થયું જ ના હોય એમ