Sunday, August 25, 2013

હું નર્કમાં છું

હું નર્કમાં છું. ચારેબાજું સંગીત, સંગીત યાતનાનાં ગર્ભમાંથી નીકળી જતું, કેટલીયેવાર હું જ મારાં પડખેથી ઉભો થઈ જઉં ને પૂછ્યા કરું "દુઃખે છે માથું?" ને હું માથું હલાવી ના પણ પાડી ન શકું. પકડી રાખું હું જ મને, અને હું જ છૂટવા મથ્યા કરું, જાણે કોઈ વાસુકિ પોતાની જ પકડમાં ભીંસાઈ રહ્યો હોય, રાતોની રાતો, ડહોળાયા કરે મારાં પગ નીચેનું હોવાપણું, અને  નીકળે તો શું, દાંતની તિરાડોમાંથી સરી જતું વહેલી સવારનું થૂંક જાણે માંહ્યલાએ આખીયે રાત ને નકારીને બધી કાળાશ ઓકી કાઢી હોય, હવાંતિયાય ના મારી શકું એમ ગળાડૂબ. બહાર આજુ બાજુ જાણે લોકો ધુમાડા ઓકી કાઢે છે, ફોન પર ધુમાડા, સામે ધુમાડા, ને ભીંચોભીંચ બસમાં ઉભા રહી રોજ સવારની સમલૈંગિકતા પોતાની હવસ સાચવતી ધીમે ધીમે ધુમાડો ઉંચકતી જાય ને રખે ને શરમનાં માર્યા બધાંય પોતાનામાં ઘૂસી જાય, ને કરીયે શું શકાય? હું સવાલ કરી નાખું, પણ મને જવાબ સાંભળવાની ના પાડવામાં આવે છે, મને એ પરવાનગી જ નથી ને. બસ આંખે કાને હાથ રાખી, ચાલ્યાં કરો, ઉઠ્યા કરો, બેસ્યા કરો, ધુમાડા ઓક્યાં કરો. રાત્રે માંડ પોતે પોતાને સુપરત થઉં ત્યાં, કહ્યું ને હું જ મારાથી સાવ ગુસ્સે, ઘર છોડીને ભાગી ગયેલાં ભાઈની જેમ, કે કોઈ વિશ્વાસઘાતીની માફક, મારાં ગળે, છાતીએ, જાંઘ પર, બધે જ કૂદી પડું. ખાનું ખોલીને કાઢીને વાંચી લઉં ચોપડી, બે-ચાર પાના પર હસી લઉં, બે ચાર પાના પર રડી લઉં, બે ચાર પાનાં ડૂચો વાળીને ફેંકી દઉં. થાય ઘણી વાર કે વંચાવું કોઈક ને, પણ લોકો કાચની દિવાલ પહેરીને નજીક આવે છે, આર-પાર જોવા દે, જોયા કરે, વાંચ્યા કરે. પણ કોઈ દિગ્દર્શકની આંખથી કે પછી કોઈ ગાંડાનાં ડૉક્ટરની, અરે ભલાદમી કોઈ મનોવિજ્ઞાની હોત તો ય ચાલત. પણ આમ રસ્તે ચાલતો, "માચીસ છે?" કહીને સાવ બાજુમાં આવે બેસી જાય તો, હું આખે આખો પથરાઈ જાઉં એની સામે.


અહીં માણસનું ભૂત વળગે, પણ કોરાંકટ સૂસવાટા પણ તો ક્યાંય ખાલી ખોખું વગાડી વગાડીને નાસી ગયાં, ઘર-ગામ-ગલી આ બધાંય હવે દોડ્યાં કરે, હું ત્યાં જ ત્યાં જ ત્યાં જ ઉભો જ્યાં હું કોઈ ચબૂતરાં નીચે, રાત્રે, ફફડી રહેલી જ્યોત માફક, કોઈનેય દેખાયાં વગર, ઉભો રહું, બેસ્યાં કરું, આળોટ્યા કરું, ખૂદને અડક્યાં કરું, કારણકે કોઈકે કહ્યું છે કે તું ખુદ જ પોતાનું ઘર થા. પણ ક્યારેક, અડધી રાત્રે આંખ ખુલી જાય અને ખરેખર ધ્યાનથી સાંભળવાનો જીવ થાય, તો જો જો ક્યાંક ટકોરા સંભળાશે, એ હું જ દઈ રહ્યો છું મારાં દરવાજે, મને તમારાં ઘરે નિમંત્રી શકો છો, પણ હું આવીશ મારાં લાંબા કાળાં કોટ સાથે, પણ કોટની નીચે સાવ નિર્વસ્ત્ર, તાજાં જન્મ્યાં બાળકની માફક.

No comments:

Post a Comment