Wednesday, September 11, 2013

मा निषाद प्रतिष्ठांत्वमगमः शास्वती समा

मा निषाद प्रतिष्ठांत्वमगमः शास्वती समा

શાંત ભભૂકી જતી દ્રષ્ટિ, મન વિચારે કટાયેલું
રુક્ષ ખરતાં જતાં શ્વાસો, નામ થી સૌ ઉગારેલા. જાણે ઉંડા તળાવોમાં, ગહન ભીંસાઈ રૂંધાતો, હરફ પરપોટા પીધેલો. ના કદી આવી પહોંચાશે, સાવ ઝીણું ઉઘાડીને, સાવ તીણું ઉપાડીને, કંઈક જૂનું ઉખાડીને, ફરફરીને જે થાકેલાં, ઉંઘમાં સતત વીંટળાતા, કંઈક વર્ષોથી ઉભેલાં, નધારા સ્તંભ વિહોણા, આપ-વિરાન વેરાને. ગાયા કર તું કવિતડા.

હા, શક્ય છે જ. અજાણતા જ, આમ જ, કોઈ બબડી જાય, સરરિયલ સરરિયલ રમતાં રમતાં. પણ પેલો જેને નિષાદ નામ પાડી આપ્યું એ જ તો વ્યાસ હતો. હા, તે વળી. જાડા ધડસા જેવા વેદનાં થોથાં માંડ તો ઉકલ્યાં ને, બહાર નીકળી પડેલો તીર-કામઠું (Hint Hint: Pen-paper, ગુજરાતીમાં કાગળ કલમ,, ;) ) હા તે છેક પ્‍હો ફાટ્યાથી નીકળેલો, તે બગલાં, પોપટ, મેના, સુરખાબ, એ ય જાત જાતનાં પક્ષીઓ મળ્યાં, પણ માંડ હવે છેક આ જોડું દીઠેલું ક્રૌંચ પક્ષીનું. ને એમાંય વાટ ઘણી જોઈ કે એ બંને જણાં કાંઈક વ્યક્તિગત થાય, વાતાવરણ જરા રુમાની થાય, અને સહેજ પીંછાં ઉંચા કરે. ને તરત જ ઉતારી પાડે. ને યુગો યુગો સુધી આપણે વખાણ કરતાં રહીયે. અરે સમય આમ જ તો ઢીલો પડે, ને આમ જ તો પકડી શકાય, આમ જ તો વીંધી શકાય. પણ નખ્ખોદ જાય આ હીપોક્રીટ વાલ્મિકીનું કે હોંશિયારી મારી દીધી, અનુષ્ટૂપમાં મારી એટલે વિવેચકો ખુશ, અને પાછો, વોય વોય, લૂંટારો, અભણ, તો તો એડેડ વેલ્યૂ મળી ગઈ, સમાજ સેવકો ને. એટલે આ કાયમનો શ્રાપ બેસી ગયો, આ નિષાદ નામ પાડ્યું એનાં ઉપર. કે કોઈ દી' એનો શબ્દ ના પહોંચે. અને પહોંચે તો ય, દશરથ જેવા શબ્દવેધીઓ જૂઠ્ઠા જ પડે કાયમ. ને પછી એનો ય દીકરો જાય ને એ બધી ખોટી રામાયણો ઉભી થાય.

જોયું, આ પરાપૂર્વથી જ ચાલ્યું આવે છે, દાઢી, ભગવાની બોલબાલા છે. પણ એ વાલિયાને એક તૂટ્યું પાંદડુંય ક્યાં જોડતાં આવડેલું? તો ક્યાંનો કવિ? એમ જુઓને વાંચક મારા! હવે તો એનાં નામ થયા, સંગ્રહ થયો, પ્રતો પર પ્રતો, ને પેલાં પારધીનો? એક કવિતા કરતાંય શરાપ સંઘરી બેઠો. તે વંચાયો નંઈ ક્યાંય, મારા જેવા કોકે વાંચ્યો તો સમજાયો પણ નહીં ક્યાંય. હવે ન્યાય તો જોવા વાળા ની આંખે. તૂટેલાનું રહેતું તૂટ્યું, ને વીંધેલાનું રહેતું વીંધ્યું.


(એય છીછ છીછ,, આમ અહીં આવો, આ કૌંસમાં, ડાબો કાન જરા આગળ કરો. હા હવે આ બધી બાબતોમાં ડાબું જ કામ લાગે. તમને નથી લાગતું કે આ સૌથી મોટી કૉન્સ્પીરસી છે? આ પરધીએ જ રમી કાઢી. આ વાલિયાને ખબરેય ના પડી કે ક્યારે પેલો પારધી વાલિયાને વાપરી ગયો ને આવી મોટી કવિતા કરી ગયો. બાકી પારધીનું તીર છોડવું અને વાલ્મિકીનું જોઈ જવું, એ કાંઈ કાગનું બેસવું અને ડાળનું પડાવું થોડી છે? There are no Accidents Mr. Reader. યાદ રાખજો. હવે નીકળો આ કૌંસમાંથી.. તમારાં વિચારો ગંધાય છે... જાઓ...)

No comments:

Post a Comment