Wednesday, October 15, 2014

ને રજાનાં દિવસે...

ને રજાનાં દિવસે હું દરવાજે ઉભો રહીને રાહ જોઉં છું
ફોન વાગે
બે હથેળીમાંથી એકદમ જ છૂટી પડી જતી
ચામડી માફક, દિવાલનો રંગ ખરતો જાય છે
ઉંબરા પર એક ઘૂંટી પર બીજો પગ દઈ
નાકની અણી ખોતરતાં ઉભા રહી જવાય
ને પછી ડોક નમે કે
ફડાક દઈને ઉડી જાય કાન પાસે થઈને
ફોનનાં બીજા છેડા પરનું હાસ્ય
ને કરોડરજ્જુમાં સટાક દઈ સણકો ઉપડે...
ને નખમાં બારસાખ લઈ
ઉંબરેથી ઉતરી પડાય

ભીની ગેલેરીમાં કાદવ કરતાં
ખદબદ થતાં કીડાં માથામાં ઝઘડી પડે
બારી ઝાલીને, રજાનાં દિવસે ફરી હું રાહ જોઉં છું
ફોન વાગે

બારીનો કિચૂડાટ
પેઢે થઈ લોહીમાં ઉતરી જાય
ને કેટલાંય ભવનાં પાણી નીતરી જાય
શરીરનાં એકેક કોષમાંથી
ચારે બાજુ ફર્યાં કરતી બારી, ગેલેરી, દરવાજો
ને કાદવમાં ધરી પકડી રાખીયે

ખૂંપી જવાય
છેક નીચે
હાથ પગ જકડાઈ રહે
આંતરડા ઑકી કાઢવાની બીકે
બારીનો કડવો કિચૂડાટ થૂંકી નાખો

દાઢીનો એકેક વાળ હવે લાલ થઈ ઉગે
ને ફૉન વાગે, રજાનાં દિવસે

કાદવમાંથી હાથ શોધી કાઢવા
લાંચ કોને આપશું?
ને ફૉન વાગે, રજાનાં દિવસે

હવે દિવાલનો રંગ થઈ બેઠા "કશું જ નહીં" ને
ઉતરડી નાંખવાય
નખમાંની બારસાખ ક્યાં જઈ ઠાલવી શકાય?
ને ફૉન વાગે, રજાનાં દિવસે

જાગી જાઓ હવે
ડાબો પગ પાછળથી ઘસડાતો, ઢસડાતો
ખેંચી ખેંચીને જમણો પગ થાકી જાય છે
એને ગળેથી પાણી પાવા ઉઠવું પડશે

મોઢું સાફ કરી પાછાં
ઉંઘી જાઓ

ને રજાનાં દિવસે...
દરવાજા પાસે...
ફોન વાગે...

Wednesday, October 8, 2014

ધીરે રહીને

ધીરે રહીને સાવ સામે આવી જાય એવાં બે ચાર અવાજો અડધી રાત્રે ગાંડા થઈ જાય, આજુ બાજુનાં બે-ચાર ઘર, ચામડીની અપારદર્શકતાને ખોટી પાડી આગિયા માફક ખોવાઈ જાય. સમાચારમાં વાવાઝોડાનાં અણસાર છે, ને ફળિયાનું ઝાડ પડી જાય, જરાય પવન વાયા વગર, તે આ સ્થિરતાનો ભાર જ કેવો હશે કે હલ્યા વગરનું પડી જવાયું, બે ચાર દિશાએ ફંગોળાતાં રહીએ તે દૂર ઉભો ચિત્રકાર લીલો ડાઘો પાડી દે, તે જરૂરી હતો આમેય, ને એમાં જરાક કાળો પૂરે એટલે કાલ...ે ખુલ્લી થાળી મૂકી રાખેલ એમાં કંઈ મહિનાઓની મોત મરી ગયા હોય તેવી ગતિ થઈ જાય, ને કાળી ફૂગ બાઝે ને કેવી સૂક્ષ્મ સૃષ્ટિ રચાઈ જાય એમાં સતત આવ-જા કર્યા કરતાં પીળાં કિરણો, ધૂળ-ધોયાં, ને એક કીડી ફરકે કે પડઘાવા માંડે બધી દિવાલો, ને બંધ બારણાંમાંથી ધીમાં પગલાં લઈ એ આવી પડે ને કહે, "ચલ ચલ, બાર નો ટકોરો પડવા દે હવે, છોડી દે! ", ગરમી હશે એ દિવસે, શર્ટ ન'તું પહેર્યું, ને ઘૂંટણ પર હાથ મૂકી બેસી રહ્યા, ઘેટાંઓનાં અસ્થિઓ દોડતાં જોઈ રહ્યાં, દિવસો- દિવસ, રાતો-રાત. ને હલી ગયેલું કેન્સરસ જડબું પડી જાય, ને પીળાં દાંત વચ્ચે છાની કેવીય વાતો, કહેવાં કરતાંય પાપ ચડે, કે બસ ઘર તરફનો છેલ્લો બ્રિજ ચડતાં જ ઉકરડાં વચ્ચે ફસડાઈ પડાય. ના, ના જો, પાછો વિચારે ચડ્યો, ઉભો તો છે ફૂટપાથ પર જ, ઉકરડે કોઈક તો પડ્યું હશે, રામ જાણે! ધ્યાન કોણ આપે છે? તમેય નહીં ને હું ય નહીં! "તે તને તકલીફ શું છે કહીશ મને?, જો તને જ ખબર નથી કે તું શું કહેવા માંગે છે તો હું તને કેવી રીતે કહી શકું કે તું શું કહેવા માંગે છે?" ને પેટ સળવળે, ઉલટ કરતુંક મોત ઉતરી આવે ગળાંની બહાર. કોણી થી કાંડા તરફ, યસ, ધેટ્સ ધ વે. તે પલંગ પાસે બેઠેલી એ ઉભી થઈ છે, ને તે બેઠો. હાથ પાછળ ટેકવી, ત્રાંસા ધડમાં એનાં એકેક વિચારો અથડાઈને સામે બેઠેલીનાં ચહેરાં પર કેન્દ્રિત થઈ રહ્યાં છે. ખિસ્સામાં બહુ જાળવીને સાચવેલો, સાચવીને શોધેલો, સમયની લીલ બાઝેલો, પાણીપોચો, પત્થર કાઢી આપે છે એ. બાંધી દઈ મારાં પગે, હું ગરકાવ થઈ જઉં છું, ભાષામાં, બોલીએ છીએ એવી નહીં, ને વાંચીએ છીએ એવીય નહીં. ને વિસ્તરી જઉં. સવાર પડે - કે પછી રાત પડે? - ઉભો થઈ ફર્યાં કરી, હર્યાં કરી, થઈ લઉં.

Wednesday, October 1, 2014

મળસ્કે

મળસ્કે
કાન પર બણબણતાં મચ્છરની માફક
સવાર જગાડી મૂકે

રાત્રે
સાવ ફસડાઈ પડતાં પહેલાંની ક્ષણ
ને એમાં છાતી ખોલીને નીકળી પડતાં ચાંચડ
પગ પર ફર્યા કરીને
જાંઘો ભેગી થાય ત્યાં સ્થિર થઈ જાય
ને કૂદી પડે...
એક એક પીંછું ચૂંટી લેવાતું હોય એવાં પક્ષીની સન્ન્ન્ન કરતી ભાગી નીકળતી ચીસ જેમ
સફેદ દરિયાની હૂંફાળી નિર્જીવ સ્થિર સપાટીમાં જંપલાવી દે

ને પરસેવે રેબઝેબ

લિટમસ પેપર પર મૂકી મૂકી દરેક ફેન્ટેસીની
એસીડીટી ચકાસતાં
ટેરવાં દાઝી જાય

ફરી પાછાં રાત્રે
છાતી ખોલી ચાંચડ નીકળી આવે
આ વખતે ચોપડીનાં કાગળ જ્યાં ભેગાં થાય ત્યાં સ્થિર થઈ જાય

ને કૂદી પડે
વગર એનેસ્થેસિયા એ આંતરડાં સીવાતાં હોય એવાં કોઈ સેડીસ્ટનાં
બ્રહ્માસ્વાદસહોદર આનંદનાં બરાડાં માફક
સફેદ દરિયાની આ ચેતનાનાં મહાસાગર સમી ઉફાળાં ભરતી સપાટીમાં
જંપલાવે કે ફટાક
કરતાંક
કોઈ અદ્રશ્ય હાથની ઝપાટથી
ફેંકાઈ જાય
દૂર
મારી સમજણ અને સંવેદનશીલતાની બહાર

ને
મળસ્કે
કાન પર બણબણતાં મચ્છરની માફક
સવાર જગાડી મૂકે

Wednesday, September 24, 2014

અપદ્યાપદ્ય દોહરાં

ઉગ્યાનું લઈ લાલ, ને લઈ ઢળતાનું કાળું ઘાટ્ટ
છેલ્લાં પહોરે આંખ, બોળી દીધી આભમાં

રતિ કરે પગ ધૂળમાં, ને છાતી ઝાલે હાથ
બાંહે ખદબદ મેળ, નખ-આંગળ ને સ્કંધનો

વરસાદે ચૂંચાં કરે નળિયા જેવો ઘાટ
તૂટી પડે જ્યાં આંખ, દાઢી ઉંચકે દ્રશ્ય સૌ

રીઢા ગુનાહગારની, મુઠ્ઠી માં સચવાય...
લઈ એવો એક શબ્દ, ચાલી નીકળ્યા અંતમાં

અરસ પરસ વાતો કરે, બળી મરેલી પાંખ
'જો ને કેવી જાત!, મરે મરે પણ ગાય નંઈ'

એક જ ચપટી વાગતી હળવી ક્ષણની ફાંસ
પોક પોક ચિત્કાર, 'ના ના નહીં બોળી દઉં'

ઉગી પડતાં ફૂલની કચરી દઈ નરમાશ
ઉઘડી દીધી બાથ, ધસમસ હોવું વચ્ચેથી

લડ તું પઢનારાં, લઈ સમજણની એક ટાંચ,
સંવેદનનાં કાચ, ઝાકળ જેવું ભાંગતા

કોક જ ખૂણે હું મળું, હું ને મારું સાચ
બેસી જાજો સાથ, હું આશીક તમ પ્રિયતમ

Wednesday, September 17, 2014

તમે મને માત્ર ધિક્કરી શકો.

તમે મને માત્ર ધિક્કારી શકો

દરવાજા પાછળથી હાઉક કરતોક હું તમારા
આખાયે comfort zone માં ફેલાઈ જાઉં
ધુમ્મસની માફક
અંધ કરતો, ગૂંગળાવતો.
ઉકેલી ના શકાય કે કેટલાં પગલાં બાકી છે
પલંગ સુધી પહોંચતા
કેટલાં આંગળાં બાકી છે
કમર નીચે સુધી પહોંચતા...
ને કપાળથી લઈ નીચે સુધી
એક ઘા ને બે ટુકડાં.

પહેલો, ગીધ બની આવી
ચાવી જઉં, છાતી વચ્ચેનો લોચો
ને સડતાં, વાયુ ઉભરાતાં
પેટ ફાટી પડે કે
ફડાક કરતો ઉડી જઉં
ઉંચી ઈમારતને ધાબે, ને ફરી નામશેષ થતો થતો ટકી રહું

બીજો, ઘુવડ બની
એકેક ચીસમાં
કાનની બદબો મારતી ગુહા,
કપોલથી અલગ પડી જાય એવી રીતે
એકદમ
આકાશેથી ઉતરી આવતાં તૂટ્યાં તારા માફક
આવી કપાળે બેસી જઉં
બેય આંખો, નજરને ખોટકાવ્યા વિના, ભરખી જઉં
દૂરથી પડઘો હણહણતો આવે
ને બાજુનાં પીપળે જઈ પત્થર થઈ જઉં

ત્રીજો, ઝરખ થઈ
સાવ છાના પગે
જમણાં હાથ ને ય હરકત થાય નહીં એમ
ડાબો હાથ 'ને બેય પગ ખેંચી કાઢું
ને ક્ષિતિજ ઓળંગી બેઠેલાં ચિત્રકારનાં કેન્વાસ પર ડાઘો પડી જાય
બગલમાંથી પરસેવો ટપકે ને
ઉડતી ધૂળ સાથે
ઉભી પૂંછડીએ ભાગું
ને બખોલમાં આંખો ચમકાવી
લાળ ટપકાવતો ફરી કોઈ ઋષિ જેમ શાશ્વત થઈ પડું

ચોથો, કીડી બનીને કણ કણ બનીને આવી જઉં,
કે હવે તમારું નામોનિશાન ન રહે
કે પછી હવે અગણિત ટુકડાઓમાં વિભાજિત થઈ, બધે જ વહેંચાઈને
તમે કણ કણ બની જાઓ.
ક્ષિતિજ પીળો ગળફો ઑકી કાઢે
ને હું, તમારી સાથે જ તો, દોડી જઈ
બધે જ સંતાઈ જઉં

ધબક્યાં કરીએ
આપણે
વણથંભ

પાંચમે, હવે હું, હું બનીને આવું
સ્થિર બેઠેલાં તમે
મલકાતાં.
હું મારાં ખુન્નસ ભરેલાં હાથ
લાંબા ટૂંકા કરતો
તમારાં ખોળે ચડી જઈ
આત્મહત્યા કરી બેસું
ને લોહી ગળતાં તમે
ઉભાં થઈ
ચાલી પડો
મારાં ખુન્નસ ભર્યાં હાથ
ચહેરો
ધડ
તો ય સતત ફર્યાં કરે તમારી આગળ પાછળ
ગમે તે સ્થળે
ગમે તે સમયે

હવે ઉભરાવા માંડે
તમારું મગજ
ગીધ, ઘુવડ, ઝરખ, કીડીઓ,
આપણે ( તમે અને હું )
વિચારનો દાબ વધતો જાય, ને ફેફસાં કઠણ થતાં જાય
ને દરવાજા પાછળથી હાઉક કરતોક હું તમારા
આખાયે comfort zone માં ફેલાઈ જાઉં

માટે જ
તમે મને માત્ર ધિક્કરી શકો.

Wednesday, September 10, 2014

તમે મને હજીય ના ઓળખ્યો?

ગાત્ર થીજવી નાખતાં ક્ષિતિજનાં પાણીમાંથી
ઉભરતાં સૂર્યની જેમ જ હું
હું જ તો
ઝીણી મારી જીભ હલાવી શકેલો
" જગને જાદવા..."

ને હું જ
ખુલી પડ્યાં વાળને
ખભાને ગૂંગળાવ્યાં કરવાં દઈ
બેવ હાથે પિત્તળનો હુંભ દાબી...
બેવ આંખે રડી પડેલો
"પછે શામળિયોજી બોલિયાં, તને સાંભરે રે.."

મેં જ
ઘુમઘુમ દરિયે
બાજુ બેઠાનો હાથ ઝાલી
મારાંથી મને બહાર કરેલો
"આજ મહારાજ જલ પર ઉદય જોઈને..."

તમે મને ઓળખ્યો?

હું જ
બેઠો મારાં
ઉત્તુંગ શિખરે
ચશ્માં, હાથ, કાગળો ફેંકી દઈ
સાવ સ્થિર બેસી રહી ગાઈ શક્યો
"હું છિન્નભિન્ન છું..."

મેં જ વળી
અપચેલાં ખોરાક ભરેલા
ઓરડામાં
હથેળીઓ ખોલ્યા વગર
મારો ઉદ્દેશ ચીંધેલો
"નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ.."

તમે મને ના ઓળખ્યો?

મેં જ
મેં જ તે વળી
મારા હાથનાં હલેસાં કરી
ફફડી ફફડી
વધી પડેલી દાઢીએ
ઘસડાઈ આવતી એકદમ અલગ જ
રેખા ઉવેખીને
લલકારી લીધું
"મયુર પરથી ઉતર શારદા, સિંહની ઉપર ચઢ"

ને આ હું જ છું
આ હું જ છું
જે સતત ભાગી જતી
અનાગતાને
બંધિયાર કરી
સડાવી, કહોવડાવી નાખવા મથું છું

ને એ હું જ હોઈશ
જે માથે સગડી મૂકી
લોહીનાં ઑઘરાળાં ભર્યાં હાથે
માંસલ નદીઓને
બાષ્પીભૂત કરી નાખશે
કાલે
કાલ પછી
કાળ પછી

તમે મને હજીય ના ઓળખ્યો?
શું તમે મને હજી પણ ના ઓળખ્યો?

Wednesday, September 3, 2014

અહીંથી ચાલી નીકળો હવે

અહીંથી ચાલી નીકળો હવે
પહોંચી જઈએ કાલે જ ફાટી નીકળેલાં ફૂલની પેલી બાજુ
જ્યાં હજીય કોઈ ખંડકાવ્યની આંખ ઉઘડું ઉઘડું થાય છે
અને પ્હો ફાટી નીકળ્યા પછીનું
સાવ છેલ્લું ભૂરું રેશમ તણાઈને
કોષેટામાં ગંઠાઈ જતું હોય
જ્યાં ગર્ભમાં જ મોક્ષ પામી જતા માંસનાં લોચા વિશે
તત્વજ્ઞાનીઓમાં મતભેદ હોય
જ્યાં ગણિતનાં બે-ચાર સૂત્રોમાં
અગણિત તર્કછલો ભરેલાં હોય અને...
'God damn it!' કહી કાઉન્ટર પર ગ્લાસ પછાડી પછાડીને
પડઘા ફેંકી દેવાતા હોય
જ્યાં પગને અંગૂઠે બાંધી રાખેલું શાણપણ
બસસ્ટેન્ડ પર હલ્યાં કરતી ગાંડીનાં
સાથળો વચ્ચે હાશ થતું હોય
જ્યાં ઝાડને પૂરી સત્તા આપી રાખી હોય
કો'કનાં શ્રદ્ધાનાં મડદાં ઉંચકી રાખવાની
જ્યાં કીડીઓની લોકશાહીમાં બોલાયેલો એકેક શબ્દ
ત્રણ-ત્રણસો ગણો ભારે થઈ
પાછો તાળવે ચોંટી જતો હોય અને કવિઓને શિશ્નનાં ઝૂમખાં ઉગી પડે
અને દદડતાં શ્વાસે દોડી આવતી એકેક પૂંછડીને
પંપાળી પંપાળી નરભક્ષી બનાવી, કાન કાપી લઈ, ખસી કરી નાખવામાં આવતી હોય
જ્યાં બસમાં લટકી લટકી
બહારનાં વિશ્વ વિશે કેટલીય અટકળો થાય
અને કપાળ પર ચોંટેલી ટિકિટથી
સભ્ય થઈ જવાય
જ્યાં બોલ્યાં પછી મૂગું ના રહેવાય અને મૂંગાં રહ્યા પછીય
મૂંગાં ના રહી શકાય એવી પૂર્વશરતે
પાસપોર્ટ બનાવી આપવામાં આવે
ચાલો હવે નીકળો અહીંથી ને પહોંચી જાઓ
અતિકલ્પનનાં દેશમાં
જ્યાં વહાણ ખેંચે પાણીને અને
પાણી વહાણને લાંગરી રાખે
અતિવાસ્તવનાં દેશમાં જ્યાં ફૂલ ફાટે ને કૂવામાંથી દેડકો
ઉછળી પડે
સમુદ્રનાં છળાવાવાળા ખાબોચિયામાં.